અમદાવાદઃ વિદેશમાં વસતા ગુજરાતીઓની કમાણીથી રાજ્યની બેન્કોમાં જમા થતી રકમમાં નોંધપાત્ર વધારો થયો છે. 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ગુજરાતની બેન્કોમાં NRI થાપણો રૂ. 1,22,363.74 કરોડે પહોંચી છે. ગતવર્ષના આ જ ગાળામાં આ રકમ રૂ. 1,08,897.99 કરોડ હતી, એટલે કે એક વર્ષમાં રૂ. 13,466 કરોડનો વધારો થયો છે, જે 12.4 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી દ્વારા આ આંકડા જાહેર કરાયા છે.
જિલ્લાવાર સ્થિતિ જોવામાં આવે તો અમદાવાદ સૌથી આગળ છે. અમદાવાદની બેન્કોમાં NRI થાપણો રૂ. 27,326.02 કરોડ છે, જે રાજ્યની કુલ NRI થાપણોની 22.3 ટકા જેટલી થાય છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ NRI નાણાંનો એક હિસ્સો બેન્ક થાપણ ઉપરાંત ખાસ કરીને અમદાવાદની હાઇ-એન્ડ રહેણાક મિલકતોમાં અને મ્યુચ્યૂઅલ ફંડ જેવા રોકાણ વિકલ્પોમાં પણ જઈ રહ્યો છે.

