અંબાજીઃ મા અંબાના ધામ અંબાજીમાં 20થી 26 સપ્ટેમ્બર સુધીના ભાદરવી પૂનમના મહામેળાના ત્રીજા દિવસે મંગળવાર સુધીમાં અંદાજિત 8.50 લાખથી વધુ ભક્તોએ મા અંબાનાં દર્શન કર્યાં. ઉલ્લેખનીય છે કે, હજુ ભાદરવી પૂનમ સુધીમાં હજારો પદયાત્રીઓ અને ભક્તો પહોંચી રહ્યા છે. ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી અને ગબ્બર રોશનીથી ઝગમગી ઊઠ્યા છે, તો માર્ગો ‘બોલ માડી અંબે, જયજય અંબે’ના નાદથી ગૂંજી ઊઠ્યા છે.
દર્શનપથ પર ભક્તો માટે હોલ્ડિંગ એરિયા
આ વખતે 45 લાખથી વધુ માઈભક્તો ઊમટવાની શક્યતા વચ્ચે બનાસકાંઠા પ્રશાસન અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભીડ નિયંત્રણથી લઈને પરિવહન, સ્વચ્છતા અને સુરક્ષા માટે હાઇટેક અને સુગ્રથિત વ્યવસ્થા કરાઈ છે. યાત્રિકોને દર્શન માટે કલાકો સુધી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે પ્રથમ વખત દર્શનપથ પર જ 60x80 મીટરનો વિશાળ ‘હોલ્ડિંગ એરિયા’ પણ તૈયાર કરાયો છે. જ્યારે બે દિવસમાં 25 વધુ જગ્યાએ ભક્તોની ભીડ વધતાં AIએ પોલીસ કંટ્રોલરૂમમાં એલર્ટ કર્યા હતા, ત્યારે તાત્કાલિક જ સંબંધિત સ્થળે પોલીસને જાણ કરી અવ્યવસ્થા થતાં રોકાઈ હતી. રાજકોટ, અમદાવાદ, મહેસાણા, દાહોદ, સુરત, ઉદયપુર સહિત અનેક વિસ્તારોથી આવેલા સંઘો અંબાજી ઢોલ-નગારાંના તાલે તરફ આગળ વધી રહ્યા છે.

