ગાંધીનગરઃ રાજ્ય ચૂંટણીપંચે ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત દેવભૂમિ દ્વારકાની ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ત્રણેય સ્થાનિક સંસ્થાઓમાં 11 ઓક્ટોબરે મતદાન થશે અને 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલી બની છે. ગાંધીનગર મનપાની ચૂંટણી સૌથી વધુ રાજકીય મહત્ત્વ ધરાવે છે. મનપામાં હાલ 11 વોર્ડ અને કુલ 44 કોર્પોરેટર બેઠકો છે. 2021ની ચૂંટણીમાં ભાજપે 44 પૈકી 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. હવે 5 વર્ષ બાદ યોજાનારી ચૂંટણીમાં જૂનાં પરિણામોનું પુનરાવર્તન થાય છે કે રાજકીય ગણિત બદલાય છે તેના પર નજર રહેશે. ચૂંટણીપંચના કાર્યક્રમ મુજબ 21 સપ્ટેમ્બરે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે.

