નવી દિલ્હીઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો સાથે સંબંધ ધરાવતી એક અમેરિકન ઓટોનોમસ સિસ્ટમ કંપનીએ ભારતીય કંપની સાથે મળીને એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાની સમજૂતી કરી છે. તાજેતરમાં જ બનેલી અમેરિકન ડ્રોન કંપની પાવરસે ભારતમાં પોતાની ગાર્જિયન ઇન્ટરસેપ્ટર પ્રોડક્ટ બનાવવા માટે એક લાઇસન્સિંગ સમજૂતી કરી છે.
માર્કેટથી મળતી જાણકારી મુજબ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીસે જૂનમાં પાવરસ સાથે સંરક્ષણ કરાર કર્યા છે. તેના હેઠળ પારસ ડિફેન્સને ભારતમાં પાવરસની એન્ટિ ડ્રોન સિસ્ટમ બનાવવા અને વેચવાનું એક્સક્લુઝિવ લાઇસન્સ મળ્યું છે. તેના બદલામાં પારસ ડિફેન્સ લાઇસન્સ ફી અને ભારતમાં વેચાણથી થતા ચોખ્ખા નફામાં હિસ્સો આપશે. આ સમજૂતી દ્વારા પાવરસ ભારતમાં પ્રોડક્ટ બનાવવા અને વેચવાના હેતુથી લાઇસન્સ આઇપી (ઇન્ટેક્ચ્યુઅલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનું એક્સક્લુઝિવ લાઇસન્સ પારસને આપે છે. આ પ્રોડક્ટની ઓળખ ગાર્જિયન ઇન્ટરસેપ્ટર તરીકે કરાઈ છે.
પાવરસ કંપનીએ છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકન એરફોર્સ સાથે અમેરિકન હવાઈ સેવા અને સંરક્ષણ વિભાગના કેટલાક નાના કોન્ટ્રાક્ટ મેળવી આ સેક્ટરમા પગલું મૂક્યું છે. કંપનીનું વિલય એક એવા યુનિટ સાથે કરાયું છે, જે ફ્લોરિડામાં બે ગોલ્ફ કોર્સ ચલાવે છે.

