નરેન્દ્ર મોદીના જન્મદિનની રાજ્યભરમાં દીપોત્સવ સાથે ઉજવણી

Wednesday 23rd September 2026 06:46 EDT
 
 

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17 સપ્ટેમ્બરના રોજ 76મા જન્મદિનની સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં અનેક જગ્યાએ જનતાએ સ્વયંભૂ રીતે ઉજવણી કરી તેમના સુદીર્ઘ અને સ્વાસ્થ્યમય જીવનની મંગલકામના કરાઈ હતી. અમદાવાદ, વડનગર સહિત રાજ્યભરમાં એક કરોડથી વધુ ‘આશીર્વાદ દીવડા’થી આ અનોખી ઉજવણી થઈ હતી. ગુરુવારે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાનની જન્મભૂમિ વડનગર ખાતેના શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય શિવ આરતી કરી કર્મભૂમિ વારાણસી સુધીની બાઇક સેવા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વડાપ્રધાન મોદીના જાહેર જીવનનાં 25 વર્ષને ગરીબોના કલ્યાણ અને ભારતના વિકાસનો પાયો નાખવાના રૂપમાં ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે તેમ જણાવ્યું હતું.
કાંકરિયા લેક પર આશીર્વાદ દીવડા
અમદાવાદમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે આશીર્વાદ દીવડા કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આવો જ એક દીવડા કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો હતો, જ્યાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતા. સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર. પાટીલ, રાજકોટ ખાતે કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા, ભાવનગર ખાતે કૃષિમંત્રી જિતુ વાઘાણી અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબહેન બાંભણિયા દીવડા કાર્યક્રમમાં સામેલ થયાં હતાં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરથી શરૂ થયેલી બાઈક યાત્રાને રાષ્ટ્ર સેવાની સંકલ્પ યાત્રા ગણાવતાં કહ્યું કે, વડનગરની ભૂમિએ વડાપ્રધાન મોદીને દેશપ્રેમ, સેવા-સાદગી અને સમાજ માટે રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી સમર્પિત થવાની પ્રેરણા આપી છે.
18,500 સ્થળે ‘આશીર્વાદ દીવડા’
ગુરુવારે રાજ્યભરમાં 18,500 સ્થાનોએ એક કરોડ લોકોએ દીવડા પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી. શહેરોમાં 17 મુખ્ય કાર્યક્રમો ઉપરાંત ભજન સંધ્યાના 17 કાર્યક્રમો, 17 મહાનગરપાલિકાના 287 વોર્ડમાં 12,481 સ્થાનો પર, મંદિરો, તળાવો, નદીઓ, મુખ્ય ચોક, દૂધ સહકારી ડેરીઓ, મહાનુભાવોની પ્રતિમા, સર્કલ, ટાઉન હોલ, જાહેર બગીચા અને એપીએમસી ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત ભાજપ અને સરકાર દ્વારા જનકલ્યાણ અને સેવાસેતુના 17 ઓક્ટોબર સુધી વિવિધ જનકલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.


comments powered by Disqus