વાઇબ્રન્ટ સમિટમાં આધ્યાત્મિકતા, પીસ કોન્સર્ટના કાર્યક્રમો યોજાશે

Wednesday 23rd September 2026 06:45 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ-2027ની તડામાર તૈયારી શરૂ કરવા સાથે તેના કાર્યક્રમને લગભગ આખરી ઓપ આપી દેવાયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સમિટના ઉદ્ઘાટનના પ્રથમ દિવસે 10 જાન્યુઆરીએ દેશ-વિદેશના ટોચના રાજકીય પદાધિકારીઓ, વિખ્યાત મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ, દેશના જાણીતા ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્ધારકો ઉપસ્થિત રહેશે. તેની સાથે આધ્યાત્મિકતા, શાંતિ અને સંવાદિતા પર પણ ફ્લેગશિપ સેશન યોજાશે. ગ્લોબલ ટ્રેડ શોમાં પણ ગ્લોબલ પીસ વોક, ગ્લોબલ પીસ કોન્સર્ટ જેવા કાર્યક્રમો યોજાશે. પરંપરા મુજબ મહાત્મા મંદિર ખાતે જ યોજાતો સમાપન સમારંભ સંભવત: ગિફ્ટ સિટી ખાતે યોજવામાં આવે તેવી શક્યતા છે.
વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીના વર્ષમાં 10થી 12 જાન્યુઆરી સુધી ત્રણ દિવસ માટે યોજાનારા વાઇબ્રન્ટ સમિટને અત્યાર સુધીના તમામ સમિટની સરખામણીમાં ભવ્ય, વ્યાપક અને અસરકારક બનાવવા સરકાર દ્વારા અત્યારથી જ ભરચક પ્રયાસો શરૂ કરી દેવાયા છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રતિનિધિમંડળના અમેરિકા અને કેનેડાના પ્રવાસ અને દેશમાં દિલ્હી-મુંબઈમાં સમિટને લગતા વિવિધ કાર્યક્રમો યોજાયા બાદ ટૂંક સમયમાં વિદેશ પ્રવાસ અને રોડ-શોને લગતા વધુ કાર્યક્રમો શરૂ થશે. ઉદ્‌ઘાટન સત્રને યાદગાર બનાવવા વાઇબ્રન્ટ સમિટના મંચ પર આ વખતે એકસાથે અનેકવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોનો મેળાવડો જામે તેનું વૈશ્વિક કક્ષાનું આયોજન થઈ રહ્યું છે. અનેક નવા વિષયો ઉમેરવામાં આવ્યા છે.
સમિટમાં બિઝનેસની વાતો વચ્ચે ફ્લેગશિપ સેશન ગ્લોબલ લીડરશિપ, આધ્યાત્મિકતા, શાંતિ અને સંવાદિતા પર પણ યોજાશે. જેમાં આ ક્ષેત્રનાં જાણીતાં નામોનું મંથન કરશે. તે સાથે ગ્લોબલ ગિફ્ટ સિટી લીડરશિપ ડાઇલોગ પણ થશે. આ સાથે હાલના સમયમાં સૌથી વધુ ચર્ચામાં છે તેવા AI, ક્રિટિકલ ટેક્નોલોજી અને ડેટા સેન્ટરને લઈને રોકાણ અને સ્ટ્રેટેજિક ભાગીદારીને માંડીને વિવિધ સેશન્સ ભારતને ફાયદો થાય તેને ધ્યાનમાં રાખીને યોજાશે.


comments powered by Disqus