સંસદ-વિધાનસભામાં 33 ટકા મહિલા અનામત થશેઃ શાહ

Wednesday 23rd September 2026 06:46 EDT
 
 

ગાંધીનગરઃ ગુરુવારે સવારે વડનગરના શર્મિષ્ઠા તળાવને કાંઠેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા, વિધાનસભામાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ 33 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત થઈને રહેશે તેવો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીના જન્મદિવસે વડનગર ખાતે મહાઆરતી પહેલાં અમિત શાહે NDAના નેતા, કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં 33 ટકા મહિલા અનામતનો અમલ થઈને રહેશે તેમ કહ્યું હતું.
અમિત શાહે સંબોધનમાં કહ્યું કે, કોઈપણ રાજનેતાએ સતત 25 વર્ષ સુધી રાજ્ય અને દેશના વડા તરીકે સેવા આપવાનો વિક્રમ સ્થાપ્યો નથી. નરેન્દ્ર મોદીએ એકપણ દિવસની રજા વિના 25 વર્ષ રાષ્ટ્રની સેવામાં ગાળ્યાં છે. જાહેર જીવનમાં તેમના પર ભ્રષ્ટાચારનો એકપણ ડાઘ લાગ્યો નથી. વિપક્ષ પણ તેમના પર વ્યક્તિગત ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી શકતો નથી.
જનપ્રતિનિધિત્વમાં 33 ટકા મહિલા અનામત અંગે તેમણે કહ્યું કે, હમણાં વિપક્ષના નેતાઓ વિધેયક રોકીને બેઠા છે પણ મને વિશ્વાસ છે કે, મોદીના નેતૃત્વમાં સંસદ અને વિધાનસભામાં માતૃશક્તિનું આરક્ષણ થઈને રહેશે, તેમાં કોઈએ અવિશ્વાસ કરવાની જરૂર નથી. ભારતને ફ્રેઝાઇલ ફાઇવથી બહાર કાઢીને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી બનાવવાનો શ્રેય નરેન્દ્ર મોદીના નેતૃત્વને જાય છે. વડાપ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મવિશ્વાસને નવી ઊંચાઈએ પહોંચાડ્યાં છે.


comments powered by Disqus