આદિપુર-ભુજ વચ્ચે રૂ. 493 કરોડના ખર્ચે ડબલ રેલવેલાઈનને મંજૂરી

Wednesday 24th June 2026 06:22 EDT
 

અમદાવાદઃ કચ્છ વિસ્તારમાં વધતા યાત્રી અને માલ પરિવહનને ધ્યાનમાં રાખી ભારતીય રેલવેએ આદિપુર-ભુજ વચ્ચેના 49 કિલોમીટર લાંબા રેલખંડના ડબલિંગ કાર્યને રૂ. 493 કરોડના ખર્ચે મંજૂરી અપાઈ છે. હાલ આ માર્ગ સિંગલ લાઇન ધરાવતો હોવાથી ટ્રેનોના સંચાલન પર મર્યાદા છે. ડબલ લાઇન બન્યા બાદ બંને દિશામાં દરરોજ બે વધારાની યાત્રી ટ્રેન દોડાવી શકાશે, જેના કારણે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળશે.
રેલવેના જણાવ્યા મુજબ આદિપુર-ભુજ વચ્ચેના 49 કિલોમીટર લાંબા રેલખંડના ડબલિંગનું કામ પૂર્ણ થતાં દરવર્ષે 12 મિલિયન ટન વધારાનો માલ પરિવહન શક્ય બનશે, જેના કારણે કચ્છ વિસ્તારનાં બંદરો, ઉદ્યોગો અને વેપાર ક્ષેત્રને સીધો લાભ થશે. આગામી વર્ષોમાં ભુજ-નલિયા સહિતની વિવિધ રેલવે યોજના પૂર્ણ થતાં આ માર્ગ પર ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
વર્ષ 2029-’30 સુધી આ રેલખંડની ક્ષમતા ઉપયોગિતા 123 ટકા સુધી પહોંચવાનો અંદાજ હોવાથી સમયસર ડબલિંગને મંજૂરી અપાઈ છે. આ યોજના પૂર્ણ થતાં ટ્રેનોની સમયબદ્ધતા સુધરશે અને કચ્છના આર્થિક વિકાસને નવી ગતિ મળશે.


comments powered by Disqus