કૃષ્ણભક્તિમાં લીન રમા વૃંદાવનથી દ્વારકા પગપાળા દર્શને પહોંચી

Wednesday 24th June 2026 06:22 EDT
 
 

અમદાવાદઃ કૃષ્ણની શરણમાં જે આવે છે તે તેને ભગવાન જરૂર મદદ કરે છે. કળિયુગમાં પણ ભગવાન સહાય કરે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ હરિયાણાની 22 વર્ષીય રમા ગુર્જર છે. રમા ગુર્જરે વૃંદાવનથી દ્વારકાનું 1300 કિ.મી.થી વધુનું અંતર 67 દિવસમાં પગપાળા કાપ્યું છે.
પરિવાર છોડીને કૃષ્ણભક્તિમાં લીન થઈને રમા (મૂળ નામ કાજલ યાદરામ ગુર્જર) ચારેક વર્ષથી વૃંદાવનમાં રહે છે. 18 માર્ચથી રાધેકૃષ્ણના નામનો જપ કરતાં કરતાં તેણે વૃંદાવનથી દ્વારકાની પગપાળા યાત્રા શરૂ કરી. ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત એમ ત્રણ રાજ્યોથી તે પસાર થઈ. દરરોજ સરેરાશ 40 કિ.મી. અંતર રમાએ કાપ્યું અને 24 મેએ તેણે દ્વારકા મંદિરે દર્શન કર્યાં હતાં.
તેની આ યાત્રાની એક ખાસ વાત એ રહી કે તેણે યાત્રા અગાઉ મનોમન નક્કી કર્યું હતું કે, હું કોઈની પાસે મદદ નહીં માગું અને જો મારી ભક્તિ સાચી હશે તો કૃષ્ણ જ મારી મદદ કરશે અને મારા માટે યોગ્ય આશરો અને ખાવાપીવાની વ્યવસ્થા કરશે. શરૂઆતમાં રમાએ 50 કિ.મી. અંતર કાપી ઉત્તરપ્રદેશથી રાજસ્થાનમાં પ્રવેશ કર્યો. રણની આકરી ગરમીમાં પણ તે નિર્જન વિસ્તારોમાંથી તે એકલી પગપાળા પસાર થઈ હતી.
યાત્રામાં કોઈની મદદ લીધા વગર રમાને અનેક પરિવારે સામેથી આવકારી અને પ્રેમપૂર્વક મહેમાનગતિ કરી હતી. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ તેને મીઠો આવકારો મળ્યો, જેનાથી તે ગદગદ થઈ ગઈ હતી. 24 મેએ ચરકલાથી ચાલીને અંતિમ પડાવ એટલે કે દ્વારકા પહોંચી અને દ્વારકાધીશનાં દર્શન કર્યાં હતાં. આ યાત્રા રમાએ 67 દિવસમાં પગપાળા યાત્રા પૂરી કરી હતી. આ યાત્રામાં તેને ક્યારેય પગમાં કે શરીરમાં કોઈ જ તકલીફ પડી નહોતી, કે ન ક્યારેય પણ ડોક્ટરની જરૂર પણ પડી હતી.


comments powered by Disqus