ગીરમાં કેસર બાદ જાપાનની મિયાઝાકી કેરીનું સફળ ઉત્પાદન

Wednesday 24th June 2026 06:22 EDT
 
 

જૂનાગઢઃ કેસર કેરી માટે પ્રખ્યાત ગીરમાં જાપાનની અત્યંત દુર્લભ અને વિશ્વની સૌથી મોંઘી ગણાતી મિયાઝાકી કેરીનું પણ સફળ ઉત્પાદન શરૂ થયું છે. ધારીના ગોવિંદપુરમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત નરેન્દ્રભાઈ વણપરિયાએ પોતાના બગીચામાં મિયાઝાકી કેરીનું સફળ સંવર્ધન કરીને બાગાયતી ક્ષેત્રે નવી દિશા દર્શાવી છે.
નરેન્દ્રભાઈએ તેમની વાડીમાં કેસર, બારમાસી સહિત લગભગ 50 જાતની કેરીઓ ઉછેરી છે. મિયાઝાકીના પ્રથમ છોડ તેમણે દક્ષિણ ભારતથી મગાવ્યા હતા. પ્રયોગ અને સંવર્ધનના પરિણામે આજે તેમના ખેતરમાં મિયાઝાકીના 100 છોડ તૈયાર થઈ ગયા છે, જેમાંથી આ વર્ષે 25 કિલો ઉત્પાદન મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેનો ભાવ પ્રતિકિલો રૂ. 1.50 લાખથી 3 લાખ સુધી પહોંચતો હોવાનું કહેવાય છે.
મિયાઝાકી કેરીને વિશ્વમાં ‘એગ્સ ઓફ સન’ તરીકે ઓળખવામાં આવે છે. તેનો ઘાટો લાલ રંગ અને અત્યંત મીઠો સ્વાદ તેને ખાસ બનાવે છે. આ કેરીમાં વિપુલ પ્રમાણમાં વિટામિન, એન્ટિ ઓક્સિડન્ટ અને પોષક તત્ત્વો હોય છે. આ ગુણના કારણે જ તે દુનિયામાં સૌથી મોંઘા ભાવે વેચાય છે.


comments powered by Disqus