ગાંધીનગરઃ રાજ્યમાં ચોમાસાની શરૂઆત છતાં જળાશયોમાં પાણીનો સંગ્રહ હજુ પણ ચિંતાજનક સ્થિતિમાં છે. રાજ્યનાં 206 જળાશયોમાં હાલ માત્ર 36.78 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે ગયા વર્ષે આ જ સમયે 41.22 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો હતો. 206 જળાશયોમાં માત્ર 36.78 ટકા પાણી બચ્યું છે. સરદાર સરોવર ડેમમાં હાલ 65.36 ટકા પાણી છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં સરેરાશ 48 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે. હાલની સ્થિતિ મુજબ રાજ્ય પાસે જુલાઈ માસના અંત સુધી ચાલે એટલું જ પાણી ઉપલબ્ધ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
126 ડેમોમાં 25 ટકાથી પણ ઓછું પાણી
રાજ્યનાં 206 ડેમો પૈકી એક પણ ડેમ 100 ટકા ભરાયો નથી. માત્ર 7 ડેમોમાં 70થી 100 ટકા પાણી છે, જ્યારે 20 ડેમમાં 50થી 70 ટકા, 53 ડેમોમાં 25થી 50 ટકા અને સૌથી વધુ 126 ડેમમાં 25 ટકાથી પણ ઓછું પાણી છે. ઝોન પ્રમાણેની સ્થિતિમાં મધ્ય ગુજરાતના ડેમોમાં 53 ટકા અને ઉત્તર ગુજરાતમાં 40 ટકા પાણી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 35 ટકા, સૌરાષ્ટ્રમાં 27 ટકા અને કચ્છમાં 27 ટકા પાણીનો જથ્થો છે.
સૌરાષ્ટ્રની 141 યોજનામાં માત્ર 27.21 ટકા પાણી
મધ્ય ગુજરાતની 17 યોજનામાં 52.62 ટકા પાણીનો સંગ્રહ છે, તો ઉત્તર ગુજરાતની 15 યોજનામાં 40.87 ટકા પાણી છે. દક્ષિણ ગુજરાતની 13 યોજનાઓમાં હાલ 34.79 ટકા, કચ્છની 20 યોજનામાં 27.09 ટકા અને સૌરાષ્ટ્રની 141 યોજનાઓમાં માત્ર 27.21 ટકા પાણીનો જથ્થો છે.

