ભુજઃ હોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ ‘જ્યૂરાસિક પાર્ક’ માં ડાઇનાસોરનું લોહી પીધેલું મચ્છર વૃક્ષના ગુંદર (એમ્બર)માં કરોડો વર્ષ સુધી સચવાયેલું બતાવાયું હતું. તેવી જ એક શોધ કચ્છમાં થઈ છે. લખપતની ઉમરસર લિગ્નાઇટ ખાણથી વૈજ્ઞાનિકોએ પીળા-ભૂખરા રંગના ‘એમ્બર’ (વૃક્ષના ગુંદર કે રાળ)માં જળવાયેલી એક નવી અને અત્યંત સૂક્ષ્મ પ્રજાતિના ‘લીફ બીટલ’ની શોધ કરી છે, મધ્ય ઇઓસીન યુગનું આ જંતુ 3.8 કરોડથી 4.78 કરોડ વર્ષ જૂનું છે.
આ ઐતિહાસિક સંશોધન બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સિસ, ઇન્દોર સ્થિત ‘રાજા રમન્ના સેન્ટર ફોર એડવાન્સ્ડ ટેકનોલોજી અને જર્મનીની કિલ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે સંયુક્ત રીતે કર્યું છે. આ શોધકર્તાઓમાં પ્રિયા અગ્નિહોત્રી, હુકમ સિંહ, બલવંત સિંહ, આશિષ કુમાર અગ્રવાલ અને કોન્સ્ટેન્ટિન નાદેઈનનો સમાવેશ થાય છે. આ જંતુનું નામ સંસ્કૃત શબ્દ ‘પત્ર' (પાંદડું) પરથી ‘કેમ્બાલ્ટિકા પાત્રા’ રખાયું છે. આ નામ ‘ક્રાઇસોમેલિડે’ પરિવારને શ્રદ્ધાંજલિ આપે છે, જે વૈશ્વિક સ્તરે ‘લીફ બીટલ્સ’ તરીકે ઓળખાય છે. આ કાળા રંગના જંતુની લંબાઈ માત્ર 1.1 મિલીમીટર છે. એટલે કે, તે ચોખાના એક દાણા કે પેન્સિલની અણી કરતાં પણ નાનું છે.
એમ્બરને તોડ્યા વિના કેવી રીતે થઈ તપાસ?
અહીં મોટો પડકાર હતો. જો એમ્બરને તોડવામાં આવે તો નાજુક જંતુનો ચૂરો થઈ જાય. આ સમસ્યા ઉકેલવા ઇન્દોરના રાજા રમન્ના સેન્ટર ખાતે આવેલી ‘ઇન્ડસ-2’ સિસ્ટમની અત્યાધુનિક ‘સિન્ક્રોટ્રોન 3D એક્સ-રે ટેક્નોલોજી’ નો ઉપયોગ કરાયો. જેનાથી પથ્થરને તોડ્યા વિના જ જંતુની બહાર ઊપસી આવેલી આંખો સહિત શરીરનાં અન્ય અંગ ઝીણવટથી જોઈ શકાયા હતા.
