ઝારખંડમાં ક્રોસવોટિંગ, એનડીએ સમર્થિત પરિમલ નથવાણીનો રાજ્યસભામાં વિજય

Wednesday 24th June 2026 06:58 EDT
 
 

નવી દિલ્હીઃ ઝારખંડમાં રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી થઈ હતી. એમાં ક્રોસ વોટિંગ થતાં એનડીએ સમર્થિત અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીનો કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય થયો હતો. આમ પરિમલ નથવાણી ચોથી વખત રાજ્યસભાના સાંસદ બન્યા છે. એક બેઠક સત્તાધારી પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાને મળી હતી. મિઝોરમમાં સત્તાધારી મિઝોરમ પીપલ્સ મૂવમેન્ટે રાજ્યસભામાં ખાતું ખોલાવ્યું હતું. કર્ણાટકમાં એમએલસીની ચૂંટણીમાં ડીકે શિવકુમારે ભાજપ સાથે ખેલા કર્યો હતો.
રાજ્યસભાની ચૂંટણી બે રાજ્યોમાં યોજાઈ હતી. 8 રાજ્યોમાં 24 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ જતાં ઝારખંડ અને મિઝોરમમાં ત્રણ બેઠકો પર ચૂંટણી થઈ હતી. ઝારખંડમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા સામે પરિમલ નથવાણીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. તેમને એનડીએનું સમર્થન હતું. કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થતાં પરિમલ નથવાણીનો વિજય થયો હતો. તેમને 28 વોટ મળ્યા હતા. ચાર વિપક્ષી ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કરતાં કોંગ્રેસના ઉમેદવારને 20 મત મળ્યા હતા, તે સિવાયની એક બેઠક પર ઝારખંડ મુક્તિ મોરચાના વૈદ્યનાથ રામનો વિજય થયો હતો. ઝારખંડમાં સત્તાધારી ગઠબંધન પાસે સંખ્યાબળ જોતાં વૈદ્યનાથ રામનો વિજય નક્કી મનાતો હતો.
8 રાજ્યોમાં 24 ઉમેદવારો રાજ્યસભાના બિનહરીફ સાંસદ બન્યા, એમાં 19 એનડીએના ઉમેદવારો હતા અને 5 બેઠક કોંગ્રેસને મળી છે. રાજ્યસભામાં એનડીએનું સંખ્યાબળ હવે 150 થયું છે. હજુ પશ્વિમ બંગાળમાં ત્રણ બેઠકો ખાલી પડી છે. એમાં ચૂંટણી થશે અને એ ત્રણેય બેઠકોમાં ભાજપનો વિજય થાય એવી પ્રબળ શક્યતા છે. એ સાથે જ ભાજપના નેતૃત્વમાં એનડીએ 153 બેઠકોએ પહોંચી જશે. એનડીએ એ સાથે જ બે તૃતિયાંશ બહુમતીથી માત્ર 10 બેઠકો દૂર રહેશે.


comments powered by Disqus