ભાવનગરઃ અમદાવાદ બાદ મેડિકલ શિક્ષણજગતમાં કલંક લગાવતી વધુ એક ઘટના ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બની છે. ઓર્થોપેડિક વિભાગના 6 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા 5થી 6 મહિના સુધી 13 જુનિયરોને તાલિબાની સજા અપાઈ હતી. અંતે પીડિત જુનિયરો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.
સર ટી. હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના 13 રેસિડન્ટ તબીબ સાથે બીજા વર્ષના 6 સિનિયર તબીબે રેગિંગની ફરિયાદ થઈ છે. સિનિયરો દ્વારા જુનિયરોને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર જવા દેવાતા નહોતા, વોર્ડમાં કલાકો મુર્ગા બનવાની, એક પગે ઊભા રહેવાની, બે-બે અઠવાડિયા સુધી નહાવા ન દેવાની સજા અપાતી, ઉપરાંત સિનિયરોએ દારૂ તથા જમવાના તથા વોર્ડના અન્ય ખર્ચા પેટે તેમની પાસેથી કુલ રૂ. 2.50 લાખ પડાવી લીધા હતા.
જુનિયર ડોક્ટર્સની ફરિયાદને પગલે 7 રેસિડેન્ટ ડોક્ટર્સ સામે ફરિયાદ નોંધાઈ છે અને તેમને કોલેજથી સસ્પેન્ડ કરી દેવાયા છે. ફરિયાદ બાદ તમામ 7 સસ્પેન્ડેડ ડોક્ટર મેડિકલ કોલેજની હોસ્ટેલ છોડી ફરાર થઈ ગયા છે,. ત્યારે તેને ઝડપી લેવા નિલમબાગ પોલીસે બે ટીમો બનાવી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જ્યારે ફરિયાદીએ પોલીસને વીડિયો ફૂટેજ સહિતના પુરાવા સોંપ્યા છે.

