સુરતઃ ભારત અને યુકે વચ્ચે થયેલા ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ (FTA)નું અમલીકરણ 15 જુલાઈથી શરૂ થતાં સુરતના ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગને સીધો લાભ મળશે. અત્યાર સુધી ભારતમાંથી યુકે મોકલાતા જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનો પર 4 ટકા આયાત ડ્યૂટી લાગતી હતી, જે હવે શૂન્ય થઈ જશે.
હવે સુરતના હીરા અને જ્વેલરી ઉત્પાદકો સીધા યુકેમાં નિકાસ કરી શકશે, જેના કારણે ખર્ચ, સમય અને મધ્યસ્થીઓ પરની નિર્ભરતા ઘટશે. જીજેઈપીસી (જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ)ના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન એપ્રિલ-મે મહિનામાં ભારતથી યુકેમાં અંદાજે રૂ. 922 કરોડનાં જેમ્સ એન્ડ જ્વેલરી ઉત્પાદનોની નિકાસ થઈ હતી, તેમાં રૂ. 458 કરોડની ગોલ્ડ જ્વેલરી, રૂ. 219 કરોડના કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ અને રૂ. 107 કરોડના લેબગ્રોન ડાયમંડનો સમાવેશ થાય છે.
જેમ એન્ડ જ્વેલરી સિવાય સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને પણ આ FTAથી મોટો ફાયદો થશે.
FTA બાદ ડ્યૂટી લાભ મળતાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા વધશે અને યુકેમાં નિકાસમાં નોંધપાત્ર વધારો થશે.

