યોગને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવો : મુખ્યમંત્રી

Wednesday 24th June 2026 06:23 EDT
 
 

ગાંધીનગરઃ વિશ્વ યોગદિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોગને માત્ર એક દિવસ પૂરતું મર્યાદિત ન રાખીને રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવવા નાગરિકોને હાકલ કરી હતી. તેમણે માણસા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભાગ લીધો હતો. અહીં મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં લોકોએ યોગાભ્યાસ કર્યો હતો. આ સાથે જ સમગ્ર રાજ્યમાં એક સાથે સવા કરોડથી વધુ બાળકો, યુવાનો અને વડીલોએ અલગ-અલગ સ્થળેથી આ ઉજવણીમાં જોડાઈને યોગાભ્યાસ કર્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉમેર્યું હતું કે, આપણી સનાતન પ્રાચીન યોગ સંસ્કૃતિને આજે વિશ્વભરમાંથી સ્વીકૃતિ મળી છે. બારમા વિશ્વ યોગદિવસની ઉજવણીએ એ રીતે વિશેષ છે કે, વડાપ્રધાનના સુશાનનના પણ 12 વર્ષ પૂર્ણ થયાં છે. વડાપ્રધાને લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે ફિટ ઇન્ડિયા અને વિશ્વ યોગ દિવસ જેવી મોટી ભેટ આપી છે. જેના પરિણામે યોગ આજે પ્રિવેન્ટિવ હેલ્થકેરનું મહત્ત્વનું માધ્યમ બની ગયો છે. રાજ્યભરનાં 330થી વધુ સ્થળોએ 1.25 કરોડથી વધુ લોકો સામૂહિક યોગમાં જોડાયા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1.5 લાખ ટ્રેનર તૈયાર કરી દેશમાં સૌથી વધુ ટ્રેનર બનાવવાની સિદ્ધિ મેળવી છે. રાજ્યમાં 5 હજારથી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસ દ્વારા એક વર્ષમાં 8 લાખથી વધુ લોકોને યોગ સાથે જોડવામાં આવ્યા છે.
યોગદિવસ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પ્રહલાદનગર ગાર્ડન ખાતે યોગાભ્યાસ કર્યો હતો. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. આ સાથે જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત લોકભવન ખાતે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માણસા ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા, મેયર હિતેશ બારોટ સહિત મ્યુનિ.ના પદાધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો. રાજકોટ કોર્પોરેશને યોગ બોર્ડ સાથે એમઓયુ કરીને શહેરના કોઇપણ સ્થળેથી 15 મિનિટના અંતરે યોગ સેન્ટર ઉપલબ્ધ થાય તેવું આયોજન કર્યું હતું.


comments powered by Disqus