અમદાવાદઃ રણના જહાજ તરીકે ઓળખાતું ઊંટ આજે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. ‘વિશ્વ ઊંટદિવસ’ નિમિત્તે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વમાં અનોખી ઓળખ ધરાવતું ખારાઈ ઊંટ માત્ર ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જ જોવા મળે છે. દરિયાનાં પાણીમાં તરીને મેન્ગ્રૂવ્સનાં જંગલોમાં ચારો ચરવા જતું આ ઊંટ વિશ્વમાં પોતાની જાતનું એકમાત્ર ઊંટ માનવામાં આવે છે.
ભારત સરકારની વર્ષ 2019માં થયેલી 20મી પશુગણના મુજબ દેશમાં ઊંટની કુલ સંખ્યા 2,51,799 નોંધાઈ હતી. વર્ષ 2012ની સરખામણીએ તેમાં 37 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. આ ઘટાડો માત્ર પશુસંપત્તિનો પ્રશ્ન નથી, પરંતુ પરંપરાગત અને રણપ્રદેશની સંસ્કૃતિ સામેનો પડકાર પણ છે. ગુજરાતમાં મુખ્યત્વે કચ્છી અને ખારાઈ એમ બે વિશિષ્ટ ઊંટની જાતિ જોવા મળે છે, તેમાં ખારાઈ ઊંટ સૌથી અનોખું મનાય છે. કચ્છના જખૌ, લખપત, અબડાસા અને કાંઠાના અન્ય વિસ્તારોમાં વસતા માલધારીઓ સદીઓથી આ જાતિનું સંવર્ધન કરતા આવ્યા છે.
ખારાઈ ઊંટની સૌથી મોટી વિશેષતા એ છે કે તે દરિયાની ખાડીઓ અને ખારાં પાણીના વિસ્તારોમાં સરળતાથી તરી શકે છે. મેન્ગ્રૂવ્સનાં જંગલોમાં પહોંચવા આ ઊંટ અનેક કિલોમીટર સુધી દરિયામાં તરતું જાય છે. વૈજ્ઞાનિકો માને છે કે, ખારાઈ ઊંટની આ ક્ષમતા તેને વિશ્વની અન્ય તમામ ઊંટ જાતિઓથી અલગ બનાવે છે.
ખારાઈ ઊંટના અસ્તિત્વ સામે જોખમ
વિશેષતાઓના આધારે ખારાઈ ઊંટને ICAR દ્વારા વિશિષ્ટ જાતિ તરીકે માન્યતા અપાઈ છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) હેઠળની નેશનલ બ્યૂરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સીસ (NBAGR) દ્વારા ખારાઈ ઊંટને અલગ અને વિશિષ્ટ જાતિ તરીકે માન્યતા અપાઈ છે. આ માન્યતા બાદ ખારાઈ ઊંટને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ મળી છે.

