લખનઉઃ ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મંગળવારે એક કોચિંગ સેન્ટરમાં આગ લાગતાં કુલ 15 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 5 મહિલાઓ અને 10 પુરુષો છે, જે પૈકી મોટાભાગના 20થી 30 વર્ષના વિદ્યાર્થીઓ છે. જે બિલ્ડિંગમાં આગ લાગી હતી તે ગેરકાયદે હતી અને તેને તોડી પાડવાનો આદેશ 2016માં થયો હતો, પરંતુ બાદમાં રદ કરાયો હતો.
લખનઉ વિકાસ પ્રાધિકરણ (LDA)ના વીસી પ્રથમેશ કુમારે જણાવ્યું, બિલ્ડિંગ માલિકને નોટિસ ઇશ્યૂ કરીને 15 દિવસમાં જવાબ મગાયો છે. ત્યારબાદ બિલ્ડિંગ પર બુલડોઝર ચલાવાશે. આ બિલ્ડિંગ રામેશ્વરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ કોલેજના માલિક વીરેન્દ્ર શુક્લાની છે. પોલીસે બેદરકારીપૂર્વક હત્યાનો ગુનો નોંધીને વીરેન્દ્ર સહિત 4 આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત LDAના 4 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. બિલ્ડિંગને મંજૂરી આપનારા 16 અધિકારીઓ પર પણ કાર્યવાહી થઈ શકે છે.
તપાસમાં જણાયું છે કે, બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા નહોતી અને ઇમર્જન્સીમાં બહાર નીકળવા માટે કોઈ અલગ રસ્તો પણ નહોતો. દુર્ઘટના સમયે છતનો દરવાજો પણ બંધ હોવાથી લોકો બહાર નીકળી શક્યા નહીં અને ગૂંગળામણથી તેમનો જીવ ગયો.
ઘટનાસ્થળે SDRF અને NDRF દ્વારા 7 કલાક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાયું, જેમાં દીવાલો તોડીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. મૃત્યુ પામેલાઓમાં ઉત્તરપ્રદેશના 11 લોકો છે, જેમાં લખનઉના 8, કાનપુરના 2 અને બારાબંકીના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના 2 અને મધ્યપ્રદેશ-હરિયાણાના 1-1 લોકોએ જીવ ગુમાવ્યા છે.

