હાઈકોર્ટે યવતેશ્વર મહાદેવની જમીન પર ગાયકવાડ પરિવારનો દાવો ફગાવ્યો

Wednesday 24th June 2026 06:21 EDT
 

અમદાવાદઃ વડોદરાના અતિ પૌરાણિક યવતેશ્વર મહાદેવ મંદિરની મિલકતને લઈને અનેક દાયકાઓથી ચાલતા વિવાદમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ બહુ મહત્ત્વના ચુકાદા મારફ્તે વડોદરાના મહારાજા ગાયકવાડના રાજવી પરિવાર અને ખરીદારોની અપીલો ફગાવી દીધી, હાઇકોર્ટે વિવાદિત જમીનની માલિકીને લઈ યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના હક્કને યથાવત્ અને કાયમ રાખ્યો છે. 86 પાનાંના લંબાણપૂર્વકના ચુકાદામાં હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, સરવે નંબર-9 અને 10ની જમીનો ઉપલબ્ધ ઐતિહાસિક દસ્તાવેજો, રેવન્યૂ રેકોર્ડ, મિલકત કાર્ડ, ફૈસલા પત્રક, નકશા અને સાક્ષીઓનાં નિવેદનો ધ્યાનમાં લેતાં યવતેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની જ પ્રસ્થાપિત થાય છે. આમ છેલ્લાં 35 વર્ષોથી ચાલતા કાનૂની વિવાદનો આખરે અંત આવ્યો છે. જો કે અપીલકર્તાઓની વિનંતીને ધ્યાનમાં લઈ હાઇકોર્ટે ચાર સપ્તાહ માટે હુકમના અમલ સામે સ્ટે ફરમાવ્યો હતો અને તે દરમિયાન વિવાદિત મિલકત અંગે તમામ પક્ષોને યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટના આ ઐતિહાસિક ચુકાદાને પગલે વડોદરાના યવતેશ્વર મહાદેવ ટ્રસ્ટના જમીન વિવાદમાં 35 વર્ષ જૂની કાનૂની લડતનો અંત આવ્યો હતો. જો કે બીજી બાજુ વડોદરાના રાજવી પરિવાર તેમજ ખરીદારો તરફ્થી આ મામલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવાની પણ શક્યતા છે. યવતેશ્વર ટ્રસ્ટના સંચાલક તરીકે કલેક્ટરને 1971માં ચેન્જ રિપોર્ટ દાખલ કરીને સરવે નંબર-9 અને સરવે નંબર-10 સહિતની સંબંધિત વિવાદિત જમીન ટ્રસ્ટની મિલકત હોવાનું જાહેર કરવાની માગણી કરી હતી. ટ્રસ્ટનો દાવો હતો કે, વર્ષ 1956 સુધી આ જમીન મંદિરના નામે નોંધાયેલી હતી, પરંતુ ત્યારબાદ એક પત્રના આધારે શહેર સરવે રેકોર્ડમાં પૂર્વ વડોદરા રાજ્યના મહારાજાનું નામ દાખલ કરી દેવાયું હતું.


comments powered by Disqus