16 માર્ચે રાજ્યસભાની 37 બેઠકોની ચૂંટણીઃ ભાજપની બેઠકો વધવાની શક્યતા

Tuesday 24th February 2026 15:04 EST
 
 

નવી દિલ્હીઃ 2 અને 9 એપ્રિલે રાજ્યસભાની 37 બેઠકો ખાલી પડી રહી છે. આ 37 બેઠકો માટે 16 માર્ચે ચૂંટણી યોજાશે. આ માટે 26 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરાશે અને તે દિવસથી જ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે.
10 રાજ્યોમાં રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે મતદાન થશે. આ 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર (7 બેઠકો), ઓડિશા (4 બેઠકો), તેલંગાણા (2 બેઠકો), તામિલનાડુ (6 બેઠકો), છત્તીસગઢ (2 બેઠકો), પશ્ચિમ બંગાળ (5 બેઠકો), આસામ (3 બેઠકો), હરિયાણા (2 બેઠકો), હિમાચલ પ્રદેશ (1 બેઠક) અને બિહાર (5 બેઠકો)નો સમાવેશ થાય છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 માર્ચ છે. 6 માર્ચે ફોર્મની સમીક્ષા કરાશે. ઉમેદવારો 9 માર્ચ સુધી પોતાનું ફોર્મ પરત લઈ શકે છે. મતદાન 16 માર્ચે થશે અને તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ જશે.
ચૂંટણીપંચના જણાવ્યા મુજબ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા 20 માર્ચ સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. ચૂંટણીપંચે આ ચૂંટણી માટે કેટલાક ખાસ નિર્દેશ જારી કર્યા છે. ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી છે કે, બેલેટ પેપર પર પોતાની પસંદ બતાવવા માટે ફક્ત ઇન્ટિગ્રેટેડ વાયોલેટ કલરની સ્કેચપેનનો જ ઉપયોગ કરી શકાશે.
ઉલ્લેખનીય છે કે દેશમાં રાજ્યસભા સભ્યોની કુલ સંખ્યા 245 છે. તેમાં 233 સાંસદોની પસંદગી ચૂંટણી દ્વારા કરાય છે, જ્યારે 12 સભ્યોની પસંદગી રાષ્ટ્રપતિ દ્વારા કરાય છે. રાજ્યસભાની ચૂંટણી અન્ય ચૂંટણીથી અલગ હોય છે. તેમાં પ્રજા ડાયરેક્ટ મતદાન કરી શકતી નથી. પ્રજા દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ રાજ્યસભા સભ્યોની પસંદગી કરે છે.
આ ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાજ્યસભા ચૂંટણીમાં જીત માટે જરૂરી મતોની સંખ્યા અગાઉથી નક્કી કરાય છે. આ સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને ઉપલબ્ધ રાજ્યસભા બેઠકોને આધારે નક્કી કરાય છે. તેમાં ધારાસભ્યના વોટનું મૂલ્ય 100 માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, છત્તીસગઢ, હરિયાણા અને આસામમાં ભાજપની કે તેના ગઠબંધનની સરકાર છે, જેના કારણે રાજ્યસભામાં ભાજપની બેઠકો વધવાની શક્યતા છે.
રાજ્યસભાના જે અગ્રણી સાંસદોની ટર્મ પૂર્ણ થઈ રહી છે તેમાં શરદ પવાર (એનસીપી-એસપી), અભિષેક સિંઘવી (કોંગ્રેસ), સાકેત ગોખલે (તૃણમૂલ), રામદાસ આઠવલે (આરપીઆઇ-એ), એમ. થંબિદુરાઈ (એઆઇએડીએમકે), તિરુચિ શિવા (ડીએમકે)નો સમાવેશ થાય છે.


comments powered by Disqus