ATS, કોસ્ટગાર્ડનું પોરબંદરના દરિયામાં ઓપરેશનઃ બે ઇરાનીની ધરપકડ

Tuesday 24th February 2026 13:19 EST
 
 

અમદાવાદઃ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમોએ જોઈન્ટ ઓપરેશન કરી પોરબંદરના દરિયામાં 140 નોટિકલ માઇલ દૂર સ્પીડ બોટ સાથે બે ઇરાનીને 203 કિલો શંકાસ્પદ કેમિકલ સાથે પકડ્યા છે. આ શંકાસ્પદ ડ્રગ્સનો જથ્થો ઈરાની સ્મગલર હાજી ફીદાએ મોકલ્યાનો અને પંજાબના ડ્રગ્સ માફિયાને પહોંચાડવાનો હતો. આ ડ્રગ્સના જથ્થાની ડિલિવરી થાય તે પહેલાં ગુજરાત એટીએસની ટીમ સ્થળ પર પહોંચી હતી.
પ્રાથમિક તપાસમાં પકડાયેલા શંકાસ્પદ કેમિકલમાં ડ્રગ્સના કન્ટેન્ટ વિશે સ્પષ્ટતા ના મળતાં એફએસએલની મદદ લેવાઈ છે. તેમના રિપોર્ટ બાદ ડ્રગ્સના જથ્થા અંગે ચોક્કસ વિગતો મળશે. ઈરાનના ડ્રગ સ્મગલર્સ હાજી ફીદાએ 200 કિલો ડ્રગ્સનો જથ્થો ઇરાનના કોનારક બંદરેથી બોટમાં રવાના કર્યો હતો. આ બોટ 15-16 ફેબ્રુઆરી દરમિયાન પોરબંદરથી 140 નોટિકલ માઇલ દૂર ભારતીય જળસીમામાં આવવાની હોવાની બાતમીના આધારે એટીએસ અને કોસ્ટગાર્ડના અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. 8 કલાકના સર્ચ બાદ એક સ્પીડ બોટમાં બે લોકો સવાર હોવાનું જણાયું હતું. આ બોટની તપાસમાં શંકાસ્પદ કેમિકલનો 203 કિલો જથ્થો મળ્યો હતો. સ્પીડ બોટથી પકડેલા બે ઇરાની અબ્દુલ મજીદ ઈસ્માઈલ અને અબ્દુલ સત્તાર કાદરબક્ષની પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં આ કેમિકલનો જથ્થો પંજાબ રવાના થવાનો હતો. આ જથ્થો લેવા પંજાબનો કોઈ ડ્રગ માફિયા આવવાનો હોવાની વિગતો મળી છે.
દ્વારકાથી રૂ. 5 કરોડની વિદેશી સિગારેટ જપ્ત
ભારતીય કોસ્ટ ગાર્ડે દ્વારકાથી આશરે 115 નોટિકલ માઈલ દૂર પશ્ચિમમાં ભારતીય અનન્ય આર્થિક ક્ષેત્ર (EEZ) માં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ ઇરાની બોટ 'અલ મુખ્તાર'ને આંતરી હતી. તપાસ દરમિયાન બોટના ગુપ્ત ખાનાઓમાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટનાં 200 કાર્ટન (આશરે એક લાખ પેકેટ) મળી આવ્યાં છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 5 કરોડ અંકાઈ રહી છે. બોટમાં સવાર 4 ઈરાની નાગરિકોને પોરબંદર લાવીને વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે, 16 ફેબ્રુઆરીએ કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસના સંયુક્ત ઓપરેશનમાં 200 કિલો નશીલા પદાર્થો સાથે બે ઈરાની ઝડપાયા હતા. જેના માત્ર 6 દિવસ બાદ ફરી ઇરાની બોટ પકડાતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.


comments powered by Disqus