ગાંધીનગરઃ રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC)ના અમલીકરણ માટે રચવામાં આવેલી ઉચ્ચસ્તરીય સમિતિની એક મહત્ત્વપૂર્ણ બેઠક જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના અધ્યક્ષસ્થાને બુધવારે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત UCCના ડ્રાફ્ટની હાલની પરિસ્થિતિ, પ્રગતિ અને વિવિધ પાસાં પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. સમિતિનાં અધ્યક્ષાએ આપેલું નિવેદન સૂચક જણાયું હતું, જેથી ચાલુ વિધાનસભા સત્રમાં આ માટેનું વિધેયક આવી શકે તેવાં એંધાણ છે.
સમિતિ અધ્યક્ષા જસ્ટિસ રંજના દેસાઈએ જણાવ્યું કે, રાજ્યમાં UCCના અમલીકરણથી પ્રગતિશીલ અને સમાનતા આધારિત કાયદાકીય માળખું તૈયાર થશે અને દરેક નાગરિકને સમાન ન્યાય અને અધિકાર મળશે. બેઠકમાં સમિતિ દ્વારા અત્યાર સુધી તૈયાર કરાયેલા કાયદાના મુસદ્દાની સમીક્ષા કરાઈ હતી. જેમાં લગ્ન, છૂટાછેડા, વારસા હક્ક અને દત્તક વિધાન જેવા વિષયો પર વિશેષ ભાર મુકાયો હતો. ઉપરાંત સમિતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સામાજિક સમરસતા જળવાઈ રહે તે હેતુથી ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે તમામ સમુદાયોનાં હિતોનું ધ્યાન રખાઈ રહ્યું છે. અગાઉ આવેલાં વાંધાસૂચનો અંગેનાં તારણો પરથી મંતવ્યો તૈયાર થયાં છે.

