અંબાજીઃ ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી હવે દેશની આર્થિક શક્તિનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) દ્વારા અંબાજી ખાતે અંદાજે રૂ. 22,000 કરોડની કિંમતના તાંબુ, સીસું અને જસતના ખનિજ ભંડારને બહાર કાઢવા માટે ‘અંબાજી કોપર પ્રોજેક્ટ’ને વેગ અપાયો છે. વર્ષ 1992થી એટલે કે છેલ્લાં 34 વર્ષથી બંધ પડેલી આ ખાણોને પુનઃ જીવિત કરવા રાજ્ય સરકારે વર્ષ 2026-27ના બજેટમાં રૂ. 613 કરોડની માતબર જોગવાઈ કરી છે. આ પ્રોજેક્ટ ગુજરાતનો પ્રથમ અત્યાધુનિક અન્ડરગ્રાઉન્ડ માઇનિંગ પ્રોજેક્ટ હશે. નિષ્ણાતોના અનુમાન મુજબ અહીં આશરે 1 કરોડ ટન ખનિજ ઉપલબ્ધ છે, જેમાંથી તાંબાનો હિસ્સો જ રૂ. 18,000 કરોડ ટન જેટલો જંગી છે.
અંબાજી કેમ બનશે ભારતનું ‘કોપર કેપિટલ’?
અંબાજી પ્રોજેક્ટ દેશની કુલ ખનિજ જરૂરિયાતનો 20 ટકા ભાગ એકલા પૂરો કરવાની ક્ષમતા ધરાવે છે. જેનાથી અન્ય દેશોથી આવતાં 80 ટકા ખનિજ તત્ત્વોમાં ઘટાડો આવશે અને ભારતની વિદેશી મુદ્રાની બચત થશે. આવા તબક્કે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV), પાવર ગ્રીડ અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં તાંબાની માગ સતત વધી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટ ‘ગેમ ચેન્જર' સાબિત થશે. આ પ્રોજેક્ટથી અંબાજી તેની પ્રાચીન ઓળખ ‘તાંબાવતી નગરી' તરીકે ફરી વિશ્વફલક પર પ્રસ્થાપિત થશે.

