અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન ચરોતરની મુલાકાતે

Tuesday 24th February 2026 13:19 EST
 
 

આણંદ: અમેરિકાના પૂર્વ ફર્સ્ટ લેડી અને પૂર્વ વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટન શનિવારે આણંદ અને અજરપુરા ગામની મુલાકાતે પહોંચ્યાં હતાં. ‘ક્લિન્ટન ગ્લોબલ ઇનિશિયેટિવ’ (CGI) પ્રોગ્રામ હેઠળ વિવિધ દેશોના 35થી વધુ ડેલિગેટસ સાથે ગ્રામીણ વિસ્તારોમાં ચાલતાં વિવિધ સેવાકીય કાર્યોની સમીક્ષા કરવા આવ્યાં હતાં. મુલાકાત દરમિયાન તેમણે મહિલાઓનાં આરોગ્ય, શિક્ષણ અને રોજગારીક્ષેત્રે થતી કામગીરીને નિહાળી હતી અને સ્થાનિક મહિલા સ્વયંસેવકો સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, સ્થાનિકકક્ષાએ મહિલાઓને તાલીમ આપીને સક્ષમ બનાવવાથી સમગ્ર સમુદાયમાં સકારાત્મક પરિવર્તન લાવી શકાય છે
તેઓએ આણંદના સરદાર ગંજ પાસે આવેલા શાંતા ઘરની મુલાકાત લીધી હતી, જેમાં લગભગ બે કલાક સુધી સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ કરીને મહિલાઓના સશક્તિકરણ, શિક્ષણ અને સ્વરોજગાર જેવા મુદ્દા પર વિચારવિમર્શ કર્યો હતો તેમણે બહેનોને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા પણ આપી હતી.
હિલેરી ક્લિન્ટને આણંદ નજીકના અજરપુરા ગામે સેવા સંસ્થા અને દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચલાવાતા પ્રોજેક્ટ્સની મુલાકાત પણ લીધી હતી. અહીં તેમણે ફાઉન્ડેશનના ‘હીરોઝ ફોર હ્યુમેનિટી’ પ્રોગ્રામ હેઠળ ગ્રામીણસ્તરે આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરતી મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે આશા વર્કરો અને સ્થાનિક કારીગર મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું.


comments powered by Disqus