મહેસાણાઃ ઊંઝા-મહેસાણા હાઇવે પર ઉનાવા નજીક શનિવારે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના પાલીથી 139ની સ્પીડે અમદાવાદ પરત ફરી રહેલી ઇકો કાર નાળાની દીવાલ સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના 5 સભ્યોનાં મોત થયાં હતાં. જ્યારે ઇકોચાલક સહિત 6 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતકોમાં માતા, બે પુત્ર, પુત્રી અને 4 વર્ષના ભાણેજનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક છે કે ગાડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. મૂળ રાજસ્થાનના અને હાલ અમદાવાદ નિવાસી મંથરાદેવી લખારામજી કુમાવતનો પરિવાર ભાણાનાં લગ્નપ્રસંગે પાલીથી 25 કિ.મી. દૂર મનિહારી ગામ ગયો હતો. પ્રસંગ પૂર્ણ કરી પરિવાર રાત્રે બે વાગ્યે બે ગાડીમાં અમદાવાદ રવાના થયો હતો.

