ગાંધીનગરઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ નીતિન નવીન સૌપ્રથમ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયે અમદાવાદમાં તેમનું પાટણના પટોળાનો ખેસ પહેરાવીને સ્વાગત કરાયું હતું. 20 ફેબ્રુઆરીએ નીતિન નબીને અમદાવાદથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ અર્બન નકસલીઓનો ગઢ
દિલ્હીમાં યોજાયેલી AI સમિટમાં કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધને લઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીને જણાવ્યું હતું કે, આજનો દિવસ દેશ માટે ખૂબ જ દુઃખદાયક છે. કોંગ્રેસ અર્બન નક્સલીઓનો ગઢ બની ગઈ છે. AI સમિટમાં કોંગ્રેસ દ્વારા કરાયેલો વ્યવહાર દુર્ભાગ્યપૂર્ણ છે. રાહુલ ગાંધી દેશને જ્યારેજ્યારે કોઈપણ ગૌરવની પળ મળે, ત્યારે એવું કામ કરે છે જેનાથી ભારતવાસીઓ દુઃખી થાય છે. આ બાબતથી અનેક યુવાઓ દુઃખી થયા છે. વિશ્વના અનેક પ્રતિનિધિઓ હાજર હતા, ત્યારે કોંગ્રેસની આ વિચારધારા ભારતને શર્મસાર કરે છે. રાહુલ ગાંધીની અરાજકતાથી કોંગ્રેસનું પતન નિશ્ચિત હોવાનું પણ નીતિન નબીને જણાવ્યું હતું.
ભાજપ હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યોની બેઠક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની અધ્યક્ષતામાં ભાજપ હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી. આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સહિત મુખ્યમંત્રી, સંગઠન મંત્રીઓ અને પૂર્વ પ્રદેશમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી સમયની રાજકીય રણનીતિ અને સંગઠનાત્મક યોજના પર સઘન ચર્ચા કરાઈ.
આ સાથે નીતિન નવીને પેજ પ્રમુખો અને ભાજપના કાર્યકરો સાથે વિશેષ રૂપે ચર્ચા કરી હતી અને તેમનાં મંતવ્યો જાણ્યાં હતાં. નીતિન નવીને ઝોન પ્રમાણેના વિવિધ પ્રશ્નો અને તેને ઉકેલવાના પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. નવીનની આ મુલાકાત કાર્યકરો માટે ઉત્સાહજનક રહી.

