ડીસાઃ ગુજરાતમાં પ્રથમવાર ડીસા નગરપાલિકા દ્વારા રજૂ કરાયેલી ટાઉન પ્લાનિંગ સ્કીમને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી અપાઈ છે. જેના થકી હવે ડીસા શહેર સ્માર્ટસિટી બનશે, જ્યાં 1.40 લાખ લોકોને 100 હેક્ટર જમીનમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે. આમ બનાસકાંઠા જિલ્લાના આર્થિક હબ ગણાતા ડીસા શહેરના વિકાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે.
પાલિકા પ્રમુખ નીતાબહેન ઠક્કર અને ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે આ સ્કીમ અમલમાં આવતાં જ સ્પોર્ટ્સ સંકુલ, ટાઉનહોલ, અટલ પથ અને આઇકોન રોડ બાદ ડીસાને સુયોજિત શહેર બનાવવાનું સપનું હવે સાકાર થશે. જે અંતર્ગત ડીસાને રોડ નેટવર્ક, ગ્રીન બેલ્ટ, આવાસ યોજના, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના લાભ મળી શકશે.
