ધોલેરામાં દેશનું સૌથી મોટું ગ્રીન AI ડેટા સેન્ટર સ્થપાશે

Tuesday 24th February 2026 15:31 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઊભરી આવવા માટે એક મોટું પગલું ભર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત ‘ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026’ દરમિયાન ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે લાર્સન એન્ડ ટુબ્રો (L&T) વ્યોમા સાથે વ્યૂહાત્મક સમજૂતી કરાર (MoU) કર્યા છે. રૂ. 25 હજાર કરોડના આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR) ખાતે 250 MW ક્ષમતાનું અત્યાધુનિક ‘ગ્રીન AI રેડી હાઇપરસ્કેલ ડેટા સેન્ટર’ સ્થપાશે, જે 2028માં કાર્યરત્ થઈ જશે.
આ મહા પ્રોજેક્ટના અમલીકરણથી કન્સ્ટ્રક્શન, એન્જિનિયરિંગ, IT, ક્લાઉડ ઓપરેશન્સ અને ડિજિટલ સર્વિસીસ જેવાં ક્ષેત્રોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો નવી રોજગારીની તકો ઊભી થશે. આ ડેટા સેન્ટર માત્ર ડેટા સ્ટોરેજ પૂરતું મર્યાદિત ન રહેતાં ક્લાઉડ કમ્પ્યૂટિંગ, AI પ્રોસેસિંગ અને એડવાન્સ્ડ એનાલિટિક્સ માટેનું વૈશ્વિક હબ બનશે. આ પહેલ ગુજરાતની IT/ITeS નીતિ 2022-27ને વેગ આપશે અને આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓને ગુજરાત તરફ આકર્ષશે.
અદાણી જૂથ રૂ. 9 લાખ કરોડનું રોકાણ કરશે
અદાણી જૂથે 2035 સુધીમાં ભારતમાં એઆઇ ડેટા સેન્ટરની સ્થાપના માટે આશરે રૂ. 9 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. આ ડેટા સેન્ટરનું સંચાલન રિન્યૂએબલ એનર્જીથી કરાશે. આ રોકાણનો હેતુ જરૂરિયાત ધરાવતા ઊર્જાના સ્રોત અને કમ્પ્યૂટિંગ પ્લેટફોર્મ્સ સ્થાપીને ભારતને એઆઇ ક્ષેત્રે અગ્રેસર બનાવવાનો છે. આ પ્રારંભિક રોકાણથી એઆઇ સંબંધિત ઉદ્યોગોમાં વધારાનું 150 અબજ ડોલરનું રોકાણ આવશે. આવા ઉદ્યોગોમાં સર્વર મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ્સ અને ક્લાઉન્ડ પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આમ અદાણી જૂથના રોકાણને અને તેના કારણે આવનારા રોકાણના પરિણામે દેશમાં 250 અબજ ડોલરનું એઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ પામશે.


comments powered by Disqus