ભુજ નજીકથી કચ્છની બુટલેગર સિન્ડિકેટનો રૂ. 4 કરોડનો દારૂ જપ્ત

Tuesday 24th February 2026 14:50 EST
 
 

ભુજઃ સ્ટેટ મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના વડવાળા ગામની સીમમાં દરોડો પાડીને અત્યાર સુધીનો સૌથી મોટો રૂ. 4 કરોડનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. સ્ટેટ સેલની ટીમ એક કન્ટેનર ટ્રકનો પીછો કરતી ભુજ નજીક વડવાળા ગામની સીમમાં બંધ ગોડાઉન સુધી પહોંચી, ત્યારે દારૂ ભરેલી બીજી ટ્રક પણ ખાલી થતી હતી.
દારૂનો જથ્થો લેવા આવેલી બે ટ્રક અને ત્રણ નાની ટ્રક જેવાં વાહનો કબજે કરાયાં છે. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈ મોટાભાગના આરોપી ફરાર થઈ ગયા, જ્યારે માત્ર બે લોકોને પકડી શકાયા છે. જો કે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં દારૂનો ગોરખધંધામાં હાથ મિલાવનારા લીકર સિન્ડિકેટના 23 લોકો સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પધ્ધર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ગુજરાતમાં દારૂનો સૌથી મોટો જથ્થો પકડાયો છે તે સાથે જ કચ્છની આખી લીકર સિન્ડિકેટ સામે પહેલી સંયુક્ત ફરિયાદ નોંધાઈ છે.
ભુજ તાલુકાના વડવાળા ગામની સીમમાં ભુજના બુટલેગર નવઘણ રાજગોર અને કેરાના અનોપસિંહ રાઠોડે મગાવેલા દારૂના જથ્થાનું કટિંગ થાય તે પહેલાં એસએમસીની ટીમ ત્રાટકી હતી. સ્થળ પરથી રૂ. 4.85 કરોડની વિવિધ બ્રાન્ડની 56,088 નંગ દારૂની બોટલો સહિત કુલ રૂ. 5.09 કરોડની મતા સાથે જસરામ ભરવાડ અને વિશાલ કર્માકર નામના બે આરોપીને રૂ. 20 હજારના 2 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા.


comments powered by Disqus