નવી દિલ્હીઃ ઇઝરાયેલને દુશ્મનોના હુમલાથી સુરક્ષીત રાખવામાં મદદરૂપ આયરન ડોમ સિસ્ટમ ભારતને પણ મળી શકે છે. આ સંકેતો ભારતમાં સ્થિત ઇઝરાયેલના કોન્સ્યુલ જનરલે આપ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઈઝરાયેલની મુલાકાત લેશે તે સમયે આ અંગે ડીલ થાય તેવા અહેવાલો છે. દરમિયાન મોદી ઈઝરાયેલની સંસદને સંબોધવાના છે જેનો બહિષ્કાર કરવાની ઈઝરાયેલી વિપક્ષે ધમકી આપી છે.
મુંબઈ સ્થિત ઈઝરાયેલી કોન્સ્યુલ, જનરલ યાનિવ દૈવાચે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત સમયે બન્ને દેશો વચ્ચે સંરક્ષણ સોદા થઇ શકે છે. આ સોદો માત્ર હથિયારોની ખરીદી અને વેચાણનો નહીં હોય પરંતુ મેક ઈન ઇન્ડિયા પહેલ હેઠળ ભારતમાં જ આ ટેક્નોલોજીના વિકાસ પરધ્યાન આપવામાં આવશે.
અમારુ લક્ષ્ય આ સમજૂતીને એ વિશિષ્ટ વિષયો સુધી લઈ જવાનું છે જેમાં ભારતમાં મેન્યુફેક્ચરિંગ અને આયરન ડોમ જેવી ટેકનોલોજીનું આદાન પ્રદાન કરવાનો છે.
બીજી તરફ ઇઝરાયેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને વિવાદ સામે આવ્યો છે. ઈઝરાયેલના વિપક્ષના નેતા યાઈર લૈપિડે મોદીના ઈઝરાયેલની સંસદમાં થનારા ભાષણનો બોયકોટ કરવાની ધમકી આપી છે.

