રાજકોટઃ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન 23 ફેબ્રુઆરીએ જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયું હતું. વહેલી સવારથી જ સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દઈ તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો પર જેસીબી ફેરવવાનું શરૂ કરી દેવાયું હતું, જેમાં સાંજ સુધી 1060 જેટલાં ગેરકાયદે બાંધકામો તોડી નાખવામાં આવ્યાં હતાં.
મ્યુનિ. કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે જંગલેશ્વરમાં ભારે ઉત્તેજના વચ્ચે સવારથી જ જેસીબી ધણધણી ઊઠ્યા હતા અને એક પછી એક મકાનો તોડવાનું શરૂ કરી દીધું હતું. સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચીને આ કાર્યવાહી કરાઈ. 64 જેસીબી, 7 હિટાચી અને 42 ગેસ કટર જેવાં સાધનોની મદદથી માત્ર શરૂઆતના 4 કલાકમાં જ 500થી વધુ મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં.
ટીપી રોડ અને નદીના પટમાં થયેલાં વર્ષો જૂના દબાણોને દૂર કરવા મનપાએ 260થી વધુ મશીનો અને 1130થી વધુ સ્ટાફ સાથે માઇક્રો પ્લાનિંગ કરીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. તંત્રની અગાઉની ચેતવણીને પગલે 1026 જેટલા આસામીઓએ જાતે જ પોતાનાં મકાનો ખાલી કર્યાં હતાં, જેના કારણે ડિમોલિશન સમયે કોઈ મોટી અફરાતફરી સર્જાઈ નહોતી.

