રાજ્યમાં હવે પ્રેમલગ્નમાં માતા-પિતાની સહમતિ અનિવાર્ય

Tuesday 24th February 2026 15:31 EST
 
 

ગાંધીનગરઃ સામાજિક પ્રેશર વધતાં રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં ડ્રાફ્ટ સુધારા વિધાનસભામાં રજૂ કર્યાં. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, અમને પ્રેમથી કોઈ વાંધો નથી પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે પ્રેમલગ્ન માટે અરજી કરશો તો વ્હોટ્સએપ દ્વારા માતા-પિતાને જાણ કરાશે, અરજી કર્યાના 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે.
હર્ષ સંઘવીએ જણાવ્યું કે, જે લોકો માતા-પિતાની મંજૂરીથી લગ્ન કરતાં હોય તેમને ધક્કા ખાવા ન પડે એવી સિસ્ટમ બનાવી છે. નવી પદ્ધતિમાં નોટરી કરનારે તમામ લોકોની હાજરીમાં નોટરી કરવી પડશે. જો હાજરી વિના સિક્કો મારશે તો કડક પગલાં લેવાશે. માતા-પિતાનાં આધાર કાર્ડ અને ફોન નંબર પણ લેવાશે. લગ્ન નોંધણીની અરજી આપશે એ જ દિવસે લગ્ન નોંધણી કરનારાં દીકરીનાં માતા-પિતાને સંપૂર્ણ ડિટેઇલ મોકલી દેવાશે. રાજ્ય સરકાર આગામી દિવસોમાં પ્રેમલગ્નોની નોંધણી માટે અલગ ઓનલાઇન પોર્ટલ શરૂ કરવાની તૈયારીમાં છે, જેથી સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને ટ્રેક કરી શકાય.


comments powered by Disqus