સમુદ્ર લાવશે સમૃદ્ધિઃ ગુજરાતમાં બ્લૂ બાયો ઇકોનોમી માટે કોરિડોર બનશે

Tuesday 24th February 2026 13:20 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતના 13 જિલ્લા અને 35 તાલુકાને સ્પર્શતા 2340 કિ.મી.ના દરિયાકિનારાનો લાભ આપવા રાજ્ય સરકાર ‘મરિન બાયો ટેક્નોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર’(M-BRIC)ની જાહેરાત કરશે. આ કોરિડોરનો હેતુ બ્લૂ બાયો ઇકોનોમીનું નિર્માણ કરવાનો છે.
ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મિશન અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે કોરિડોરની તૈયારીને અંતિમ સ્વરૂપ આપ્યું છે. આ કોરિડોરથી ગુજરાતમાં બાયોફ્યુઅલ્સ, સમુદ્રી ખોરાકથી તૈયાર થતી દવાઓ અને બાયોપોલિમર્સનું ઉત્પાદન થશે. ફાર્માસ્યૂટિલ્સ, કોસ્મેટિક્સ અને ઔદ્યોગિક એન્ઝાઇમ્સ માટે સમુદ્રી બાયો-એક્ટિવ સંયોજનની શોધ કરીને તેનું વ્યાપારીકરણ કરાશે.
આ કોરિડોરનો હેતુ મરિન બાયો રિસોર્સને વ્યવસાયિક રીતે ઉત્પાદનોમાં રૂપાંતરિત કરવાનો છે. આ માટે મરિન બાયો રિસોર્સ અને સમુદ્ર જળ આધારિત સિસ્ટમ્સ પર કેન્દ્રિત વિશ્વસ્તરીય સંશોધન, પરીક્ષણ અને માળખાકીય સુવિધા ઊભી કરાશે. ઉપરાંત મરિન બાયોટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ, એમએસએમઈ અને સંશોધકોને ઇન્ક્યુબેશન અને ટેક્નોલોજી ટ્રાન્સફર દ્વારા સહાય અપાશે.


comments powered by Disqus