સૌરાષ્ટ્ર, મધ્ય-દક્ષિણ ગુજરાતમાં માવઠુંઃ ખેડૂતો ચિંતામાં

Tuesday 24th February 2026 15:04 EST
 
 

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી મુજબ 20 ફેબ્રુઆરીએ વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં માવઠું પડ્યું. જે મુજબ મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના જિલ્લામાં માવઠું પડ્યું. ઝાપટાં પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્નપ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે. લગ્નની સિઝન ચાલતી હોવાથી ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલળી ગયા છે. બીજી તરફ ખેતરમાં ઊભો પાક પલળી જતાં ખેડૂતો ચિંતામાં સરી પડ્યા છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં વહેલી સવારે ઠંડી પડ્યા બાદ બપોરે ધોમધખતો તાપ અને ગમે ત્યારે વરસાદ ત્રણેય સિઝનનો અનુભવ થઈ રહ્યો છે.
ખેડૂતો ચિંતામાં
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. માવઠાના કારણે ભરૂચ, છોટાઉદેપુર, સુરત, મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, અમરેલીમાં ઊભા પાકને નુકસાનની શક્યતાથી ખેડૂતો ચિંતિત છે, તો હવામાનમાં ફેરફારથી સામાન્ય જનજીવન ખોરવાયું હતું. નોંધનીય છે કે, ચાલુ વર્ષે દાહોદમાં ખેડૂતોનો તૈયાર ડાંગરનો પાક ખેતરોમાં જ પલળી ગયો હતો. ખેડૂતોએ એ મોટું નુકસાન વેઠીને દેવું કરીને પણ માંડ માંડ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું. હવે જ્યારે ખેતરોમાં ઘઉં, ચણા અને મકાઈનો પાક લણણીની અણી પર છે, ત્યારે જ કુદરતે ફરી કેર વર્તાવ્યો છે. ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ વચ્ચે ગ્રામ્ય પંથકોમાં ભારે નિરાશા જોવા મળી છે.
સૌરાષ્ટ્રનાં અનેક ગામોમાં નિરાશા
અમરેલી જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માવઠાની અસર ખાસ કરીને ખાંભા ગીર તાલુકાના ગામોમાં જોવા મળી રહી છે, જેમાં ઇંગોરાળા, નાની ધારી, નાના વિસાવદર, સરસિયા, દલખાણીયા, ઝર, ગઢિયા સહિતના ગામોનો સમાવેશ થાય છે. હાલમાં ખેતરોમાં શિયાળુ પાક જેવા કે ઘઉં, ચણા, જીરું અને ધાણા લણણીની અણીએ છે, અથવા તૈયાર થઈ રહ્યા છે, જેને માવઠાથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


comments powered by Disqus