ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી માર્ચે મંગળવારે મહાવીર જન્મકલ્યાણ દિવસે ગુજરાતના પ્રવાસે છે. આ વખતે તેઓ ગાંધીનગર, અમદાવાદ અને નવરચિત વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાનું બજેટ સત્ર પૂર્ણ થયા બાદ રાજ્યમાં ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જાહેર થઈ શકે એમ છે, ત્યારે તેમની મુલાકાત સૂચક મનાય છે.
છેલ્લે 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી સાણંદ જીઆઇડીસીમાં માઇક્રોનના સેમિકંડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન માટે ટૂંકી મુલાકાતે આવ્યા હતા. 31 માર્ચે પણ તેઓ સાણંદ જીઆઇડીસીમાં વધુ એક સેમિકંડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે તેમ જાણવા મળ્યુ છે. 31 માર્ચે ગાંધીનગરના કોબા સ્થિત મહાવીર આરાધના કેન્દ્રમાં તૈયાર કરવામાં આવેલા મ્યુઝિયમનું લોકાપર્ણ વડાપ્રધાન કરશે. આ સાથે તેની નજીકમાં જ પોલીસે સિક્યોરિટી રૂટમાં તેનું પણ નિરીક્ષણ કર્યું હતુ.
31 માર્ચે વડાપ્રધાન મોદી અમદાવાદથી સીધા નવરચિત વાવ- થરાદ જિલ્લાની મુલાકાત લઈ શકે છે. નવા જિલ્લામાં તેઓ વિકાસનાં કામોના ખાતમુહૂર્ત તેમજ બનાસ ડેરીના પ્લાન્ટનું ઉદ્દાઘાટન કરશે. જાણવા મળ્યા મુજબ વડાપ્રધાન અહીં જનસભાને સંબોધશે. આ આયોજન નવા એરપોર્ટ નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે.

