અમરેલી: જિલ્લામાં ઔદ્યોગિક અને આંતરમાળખાકીય વિકાસને વેગ આપવા મુખ્યમંત્રી દ્વારા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર રિજનલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત અમરેલી જિલ્લા માટે રૂ. 36 હજાર કરોડના એમઓયુ કરાયા છે. આ સાથે જિલ્લામાં જીઆઇડીસી મંજૂર કરવાની જાહેરાત પણ કરાઈ. મુખ્યમંત્રીએ જનસુખાકારી માટે રૂ. 700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલાં 24 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જનસભામાં તેમણે જણાવ્યું કે, સરકાર જિલ્લાના વિકાસ માટે નાણાકીય સહયોગ આપવામાં કમી રાખશે નહીં. આ પ્રસંગે ખેડૂતોના પાક રક્ષણ માટે ‘વિરાટ’ શેડનું પણ અનાવરણ કર્યું હતું.
