મહેસાણાઃ એક સમયે ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ વાવેતર થતું હતું તેની સામે જીનિંગ ઉદ્યોગો પણ રાતદિવસ ધમધમતા હતા. જો કે બે વર્ષથી ગુજરાતમાં એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યૂટીના કારણે જીનિંગ ઉદ્યોગને ખંભાતી તાળાં લાગી રહ્યાં છે. એશિયા ખંડમાં કોટનની સિટી તરીકે ઓળખાતા કડીમાં 115 કપાસના જીનમાંથી 60 જીન બંધ થઈ જતાં હાલમાં માત્ર 40 જીન ડચતાં ખાતાં ચાલી રહ્યાં છે. ગુજરાતના કુલ 800 કોટન મિલમાંથી અંદાજે 50 ટકા બંધ થઈ ગઈ છે, તેમજ 55 લાખ જેટલી કોટનની ગાંસડી એક્સપોર્ટ થવાને બદલે 45 લાખ જેટલી ગાંસડી ઇમ્પોર્ટ થવા લાગી છે.
ગુજરાતમાં એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યૂટીના કારણે જીનિંગ ઉદ્યોગને ભારે અસર થઈ રહી છે, જીનિંગ ઉદ્યોગ બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. એમએસપી અને ઇન્પોર્ટ ડ્યૂટી બંધ કરી હોવાથી વિદેશી કપાસ સસ્તું પડે છે અને સ્વદેશી કપાસના ભાવ ઊંચા રહે છે.
ગુજરાતમાં કપાસના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થતાં જીનો રાતદિવસ ધમધમતાં હતાં. મહેસાણા જિલ્લામાં કડી અને વિજાપુર જિલ્લામાં સૌથી વઘુ કપાસના જીનો હતાં, જ્યાં આંધ્રપ્રદેશ, સૌરાષ્ટ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યોથી ખેડૂતો કપાસ વેચવા આવતા હતા. ત્યારે બે વર્ષ પહેલાં 55 લાખ ગાંસડી ભારતમાંથી એક્સપોર્ટ થતી હતી અને હવે એમએસપી અને ઇમ્પોર્ટ ડ્યૂટી બંધ કરી હોવાની અસરથી કોટનની 55 લાખ ગાંસડીઓનું એક્સપોર્ટ બંધ થઈ ગયું છે અને તેની સામે કોટનની 45 લાખ ગાંસડી ઇમ્પોર્ટ થવા લાગી છે. ઇમ્પોર્ટ કરાયેલી ગાંસડી રૂ. 51 હજારમાં પડે છે, જ્યારે કડીમાં તૈયારી થયેલી ગાંસડી રૂ. 54 હજારમાં પડે છે. જેના કારણે કડીના કેટલાક કપાસના જીનોને ખંભાતી તાળાં લાગ્યાં છે.
સરકાર આ માટે કોઈ યોગ્ય પગલાં નહીં લે તો તમામ જીનો બંધ થઈ જેશે તેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં પણ પહેલાં જીનો હતાં, પરંતુ સરકારની નીતિઓને કારણે તે બંધ થવા લાગ્યાં છે.

