ઊર્જા જરૂરિયાત સંતોષવા ભારતની વૈશ્વિક મોરચે રણનીતિ

Wednesday 25th March 2026 06:36 EDT
 
 

નવી દિલ્હીઃ ઇઝરાયલ-અમેરિકા વિરુદ્ધ ઇરાનના યુદ્ધના કારણે વૈશ્વિક ઊર્જાસંકટ ઘેરું બની રહ્યું છે, ત્યારે ભારતમાં આ ઊર્જા જરૂરિયાતને સંતોષવા માટે ભારત સરકાર અને ખુદ વડાપ્રધાન મોદીએ આ ખપને પહોંચી વળવા માટે વૈશ્વિક રણનીતિ ઘડી છે. મહત્ત્વનું એ છે કે વડાપ્રધાનની આ રણનીતિ હેઠળ ખુદ ઇરાનની સાથે અમેરિકા, યૂરોપ અને અન્ય ગલ્ફ દેશોનો પણ ભરપૂર સહયોગ મળી રહ્યો છે.
ટ્રમ્પ અને મોદીની ટેલિફોનિક ચર્ચા
ઇરાન સાથેના યુદ્ધ વચ્ચે પહેલી વાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી. તેમણે મધ્ય-પૂર્વની પરિસ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના વિકલ્પો પર પીએમ મોદી સાથે મહત્ત્વપૂર્ણ ચર્ચા કરી. અગાઉ પીએમ મોદીએ પોતે ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી હતી. આ ઉપરાંત તેમણે સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, ઓમાન અને બહેરીન સહિત અન્ય તમામ મધ્ય-પૂર્વીય નેતાઓ સાથે ચર્ચા કરી છે. તેમણે મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપિત કરવા તમામ નેતાઓને સહયોગ માટે અપીલ કરી.
વધુ બે LPG ટેન્કરે હોર્મુઝની ખાડી પાર કરી
યુદ્ધ વચ્ચે ભારત માટે વધુ રાહતના સમાચાર આવી રહ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતાં વધુ બે LPG ટેન્કર પાઇન ગેસ અને જગ વસંત સુરક્ષિત રીતે હોર્મુઝની ખાડી પાર કરીને ભારત તરફ આવી રહ્યા છે, જેને ખુદ ઇરાની નેવીએ ખાડી પાર કરાવી હતી. સોમવારે બપોરે આ બંને જહાજ ઈરાનનાં લારક અને કેમ ટાપુ નજીક જોવા મળ્યા હતા. હોર્મુઝમાં હજુ ભારતનાં 22 જહાજો ફસાયેલાં છે, જેમાં 611 નાવિકો છે. આ પૈકી 6 LPG ટેન્કર છે. એક LNG ટેન્કર, એક કેમિકલ ટેન્કર, 3 કન્ટેનર જહાજ, બે બલ્ક કેરિયર, એક ડ્રેઝર અને એક ખાલી જહાજ છે. 3 જહાજનું રિપેરિંગ કરાઈ રહ્યું છે.
નવા માર્ગેથી ક્રૂડની ખરીદી
યુદ્ધના પગલે ઈરાને હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરતાં ભારતે હવે પશ્ચિમ આફ્રિકા અને એશિયા પ્રશાંત ક્ષેત્રના નવા માર્ગેથી ક્રૂડની ખરીદી શરૂ કરી છે. બીજી બાજુ કેન્દ્ર સરકારે હોર્મુઝની ખાડીથી ભારતીય વ્યાપારિક જહાજોનું સુરક્ષિત પરિવહન નિશ્ચિત કરવા ઉત્તરીય અરબ સાગર અને ઓમાનની ખાડીમાં ભારતીય નેવીનાં 7 જહાજ અને લોજિસ્ટિક્સ સપોર્ટ વેસલ્સની તહેનાતી વધારી છે. સરકારી ઓઇલ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમે ટેન્ડર ઇશ્યૂ કરીને પશ્ચિમ આફ્રિકાના અંગોલાથી 20 લાખ બેરલ ઓઇલ ખરીદ્યું છે. આ સિવાય ભારત ક્રૂડ અને ગેસ માટે નવા-નવા રસ્તા શોધી રહ્યું છે.
અમેરિકા પાસેથી 1.76 લાખ ટન LPG ખરીદ્યો
ભારતમાં ક્રૂડ અને ગેસના સંકટને નિવારવા ભારતે અમેરિકા પાસેથી 1.76 લાખ ટનનો એલપીજી ખરીધો છે, જેનાથી અછત દૂર થશે. બીજી તરફ કેન્દ્ર સરકારે શનિવારથી રાજ્યોને કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની ફાળવણી 30 ટકાથી વધારીને 50 ટકા કરી છે. એસએન્ડપી કોમોડિટીઝના અહેવાલ મુજબ ભારતની સાપ્તાહિક એલપીજી આયાત ઘટીને 2.95 લાખ ટન થઈ ગઈ છે, જે 5 માર્ચે 3.22 લાખ ટન હતી.
યુદ્ધથી ઘવાયેલો રૂપિયો 93.71ના રેકોર્ડ તળિયે
અમેરિકન કરન્સી સામે ભારતીય ચલણમાં 10 મહિનાનો સૌથી મોટા કડાકો નોંધાયો હતો. ક્રૂડના ઊંચા ભાવને કારણે રૂપિયો 93.71ના તળિયે સરક્યો હતો. જે ડોલર સામે રૂપિયામાં 7 મે 2025 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો હતો. અગાઉ મે 2025માં ટેરિફને પગલે એક જ દિવસમાં રૂપિયો 0.96 પૈસા તૂટ્યો હતો, જ્યારે શુક્રવારે 0.88 પૈસા ઘટ્યો હતો. બ્રેન્ટના ભાવ 115 ડોલરથી નીચે આવી 106 ડોલર થઈ 108-109 ડોલરની રેન્જમાં ટ્રેડ થતા હતા. ઊંચા ક્રૂડના ભાવને કારણે સ્થાનિકાં આયાત મોંઘી થતાં અને ઓએમસી કંપનીઓ દ્વારા કોમર્શિયલ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. આમ વૈશ્વિક એનર્જી ક્રાઇસિસના રેલા ભારતમાં પણ જોવાયા છે. આ કારણોથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલની કિંમતમાં લિટરદીઠ રૂ. 2નો અને ઇન્ડસ્ટ્રિયલ ડીઝલ રૂ. 22 મોંઘું કર્યું છે. જો કે, રેગ્યુલર પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરાયો નથી.
ઊર્જા ક્ષેત્રે વૈવિધ્યકરણનાં પગલાં
સરકાર દ્વારા ઊર્જા ક્ષેત્રે વૈવિધ્યકરણ અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, અગાઉના 27 દેશોની તુલનાએ ભારત હાલ 41 દેશોમાંથી ઊર્જાની આયાત કરે છે, જેને પગલે કોઈ એક જ પ્રદેશ પરની નિર્ભરતામાં ઘટાડો થયો છે. ભારત પાસે 53 લાખ મેટ્રિક ટન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ છે, અને વધુ 65 લાખ મેટ્રિક ટન અનામત જથ્થા માટેની વ્યવસ્થા કરાઈ રહી છે. આ ઉપરાંત સ્થાનિક ઓઈલ કંપનીઓ પાસે પણ ઈંધણનો અનામત જથ્થો છે.


comments powered by Disqus