ગાર્મેન્ટ ઉદ્યોગને રૂ. 1500 કરોડના નુકસાનની ભીતિ

Wednesday 25th March 2026 06:05 EDT
 

અમદાવાદઃ ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે વણસેલી યુદ્ધની સ્થિતિએ વૈશ્વિક વેપારને બાનમાં લીધો છે. આ યુદ્ધની સૌથી માઠી અસર ગુજરાતના એક્સપોર્ટ-ઈમ્પોર્ટ ઉદ્યોગ પર પડી છે. યુએઈના ખોરક્કન અને ઓમાનના સોહાર પોર્ટ પર દક્ષિણ એશિયાઈ દેશોનાં હજારો કન્ટેનર અટવાઈ પડ્યાં છે, જેમાં ગુજરાત અને ભારતનાં જ 5500થી વધુ કન્ટેનર સામેલ છે. અટવાયેલાં કન્ટેનર્સમાં બટાકાં, માછલી, સી-ફૂડ અને ડેરી પ્રોડક્ટ જેવી નાશવંત ચીજવસ્તુઓ છે. ખોરક્કન પોર્ટ પર 800થી વધુ રિફર કન્ટેનર્સ ઉતારી દેવાયાં છે, પરંતુ ત્યાં માત્ર 120 ઇલેક્ટ્રિક પ્લગની જ વ્યવસ્થા હોવાથી કરોડોનો માલ બગડવાની અણી પર છે. જો આ કન્ટેનર્સને પરત ભારત લાવવામાં આવે તો પ્રતિ કન્ટેનર રૂ. 5 લાખ લેખે એક્સપોર્ટર્સ પર રૂ. 275 કરોડનું વધારાનું ભારણ આવશે. વિપક્ષના જણાવ્યા મુજબ યુદ્ધની આ સ્થિતિને કારણે ગુજરાતના મુખ્ય ઉદ્યોગોને મોટા નુકસાનની ભીતિ છે. રમજાન ઇદ નિમિત્તે અમદાવાદ અને સુરતનો ગલ્ફ દેશો સાથેનો રૂ. 1500 કરોડનો વેપાર ડામાડોળ થયો છે. જો યુદ્ધ લંબાશે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોના રૂ. 500 કરોડના કેરીના વેપાર પર પણ ગંભીર અસર થશે.


comments powered by Disqus