ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર

Wednesday 25th March 2026 06:06 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં મંગળવારે સમાન નાગરિક સંહિતા (UCC) બિલ લાંબી અને તીવ્ર ચર્ચા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. આ બિલ પર લગભગ સાડા સાત કલાક સુધી ચર્ચા ચાલી હતી, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખા વાદ-વિવાદ જોવા મળ્યા. આ બિલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહમાં રજૂ કરાયું હતું. બિલ રજૂ થતાં જ સત્તાપક્ષના સભ્યોએ તેનું સ્વાગત કર્યું, જ્યારે વિપક્ષે કેટલીક માગણીઓ ન સ્વીકારાતાં વિરોધ નોંધાવ્યો અને અંતે વોકઆઉટ પણ કર્યું. હવે આ બિલ રાજ્યપાલ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે, જેમની મંજૂરી બાદ જ કાયદો અમલમાં આવશે. આ સાથે ગુજરાત ઉત્તરાખંડ પછી UCC અમલમાં લાવનારું દેશનું બીજું રાજ્ય બનશે.
મુખ્યમંત્રીએ બિલ રજૂ કરતાં જ ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સામસામે આવી ગયા હતા. બીજી તરફ આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ UCC બિલનો વિરોધ નોંધાવ્યો હતો. આ બિલમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈ છે.
‘બધા માટે સમાન નિયમો લાગુ થશે’
હવે UCC દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે.
આદિવાસી સમુદાય UCCથી બહાર
ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા UCC બિલ કાયદાથી આદિવાસી સમાજને બહાર રખાયો છે. બંધારણના અનુચ્છેદ 342 અને 366 મુજબ આદિજાતિના સભ્યોને આ કાયદાથી અલગ રાખવામાં આવ્યા છે.

શું છે UCCની જોગવાઈઓ?

• ગર્ભમાં રહેલા બાળકનો અધિકારઃ પિતાનું અવસાન થયું હોય અને બાળક ગર્ભમાં હોય તો જન્મ બાદ બાળકને સંપત્તિમાં સમાન અધિકાર મળશે.
• સરકારની સંપત્તિઃ સંપત્તિ ધારકનું મોત થાય અને તેના ભાઈ-બહેન કે અન્ય કોઈ વારસદાર ન હોય તેવા સંજોગોમાં મિલકત સરકાર હસ્તક થશે.
• સમાન વારસા હકઃ મિલકતધારકનું વસિયત કર્યા પહેલાં જ મોત થાય તેવા કિસ્સામાં મિલકત માતા-પિતા, પત્ની અને બાળકોને સરખાભાગે વહેંચાશે.
• લગ્નઃ લોહીનો સંબંધ હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન કરી શકાશે નહીં. લગ્નના 60 દિવસમાં નોંધણી ન કરાવતાં રૂ. 10થી 25 હજાર દંડ થશે.
• એક જ લગ્નને માન્યતાઃ લગ્ન સમયે બંને પક્ષકાર અન્ય વ્યક્તિ સાથે લગ્નસંબંધમાં ન હોવો જોઈએ.
• લીવઇનઃ 21 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે વાલીને જાણ કરવી જરૂરી, 1 મહિનાથી વધુ સમય રજિસ્ટ્રેશન વિના લીવઇનમાં રહેનારાને જેલ-દંડની જોગવાઈ.
• લીવઇનમાં બાળકોઃ લીવઇનમાં રહેતાં જન્મેલું બાળક કાયદેસર ગણાશે, મહિલાને ત્યજી દેતાં તે ભરણપોષણની હકદાર.
• છૂટાછેડાઃ ક્રૂરતા, ધર્માંતરણ, માનસિક બીમારી કે 7 વર્ષથી ગુમ જીવનસાથીથી છૂટાછેડા માન્ય. એક વર્ષથી અલગ રહેનારાને સહમતીથી છૂટાછેડાને મંજૂરી.
• ગુનોઃ ફોજદારી કાયદો, ચોરી, લૂંટ, હુમલો, હત્યા, છૂટાછેડા, સામાજિક પ્રશ્નો જેવા ગુનામાં સમુદાયો આધારિત નહીં કોર્ટ પ્રક્રિયા મુજબ સજાની જોગવાઈ.

UCCનો મુદ્દો સૌપ્રથમ ક્યારે ઊઠ્યો હતો?

વર્ષ 1835માં બ્રિટિશ સરકારે એક રિપોર્ટ દ્વારા દેશમાં એકસમાન કાયદાની વાત કહી હતી. એનો અમલ વર્ષ 1840માં કરાયો હતો, પરંતુ હિન્દુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ધર્મના આધારે અલગ રાખવામાં આવ્યા હતા. અહીંથી જ યુનિફોર્મ સિવિલ કોડની માગ શરૂ થઈ હતી. બી.એન. રાવ સમિતિની રચના વર્ષ 1941માં કરવામાં આવી હતી, જેમાં હિન્દુઓ માટે કોમન સિવિલ કોડ બનાવવાની વાત કરાઈ હતી. સ્વતંત્રતા પછી હિન્દુ કોડ બિલ 1948માં પ્રથમ વખત બંધારણ સભા સમક્ષ રજૂ કરાયું હતું. એનો ઉદ્દેશ હિન્દુ મહિલાઓને બાળલગ્ન, સતિપ્રથા, બુરખાપ્રથા જેવા ખોટા રિવાજોથી મુક્ત કરવાનો હતો.


comments powered by Disqus