લંડનઃ પાટોત્સવની 50મી અને 25મી જયંતિની સફળ ઉજવણી બાદ સાપુતારામાં ગર્લ્સ યૂથ હોસ્ટેલ પ્રોજેક્ટની પ્રગતિની નોંધ લેવા પ્રતિનિધિમંડળ મુલાકાતે પહોંચ્યું હતું. 2025ના સમરમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું હતું અને તેમાં સોસાયટીએ 2,60,000 પાઉન્ડનું ભંડોળ એકઠું કર્યું હતું. આ રકમ 8 નવેમ્બર 2025ના રોજ સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરમેન ભુપેન્દ્રભાઇ કનસાગરાને સોંપાઇ હતી.
પૂજ્ય ભાઇશ્રીએ સોસાયટીના પ્રતિનિધિઓને પ્રોજેક્ટની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. ડિસેમ્બર 2025ના પ્રારંભે યુકે અને યુએસએના 10થી 12 સભ્યોનું પ્રતિનિધિમંડળ 16 માર્ચ 2026ના રોજ પ્રોજેક્ટની મુલાકાતે જશે. આ તારીખે પૂજ્ય ભાઇશ્રી પણ ત્યાં હાજર રહેવાના હતા.
જીએચએસ પ્રેસ્ટનના પ્રમુખ, ઉપપ્રમુખ અને સચિવે મુલાકાતે જવાનું વચન આપ્યું હતું પરંતુ હાલમાં ચાલી રહેલા યુદ્ધના કારણે મોટા પાયે ફ્લાઇટ ઓપરેશનો ખોરવાઇ જતાં છેલ્લી ઘડીએ કેટલાંકે મુલાકાત રદ કરી હતી.
ખેદ સહિત કહેવું પડે છે કે આયોજન કર્યા મુજબ ઇશ્વરભાઇ, ઉર્મિલાબેન, અશિતભાઇ અને અમારા અમેરિકન સહયોગીઓ સુરેશભાઇ અને સકુબેન પટેલ પ્રવાસમાં સામેલ થઇ શકે તેમ નહોતાં પરંતુ સદ્દભાગ્યે 10મી માર્ચે ફ્લાઇટ શરૂ થતાં ઇશ્વરભાઇ અને ઉર્મિલાબેન ભગવાન કૃષ્ણના આશીર્વાદ સાથે ભારતની મુલાકાતે જઇ શક્યાં હતાં.
આમ તો પાંચ સભ્યો સામેલ થવાના હતા પરંતુ બીમારીના કારણે કેટલાંકે મુલતવી રાખતાં અંતિમ પ્રતિનિધિમંડળમાં પ્રમુખ દશરથભાઇ, ઉપપ્રમુખ ઇશ્વરભાઇ અને પૂર્વ ટ્રસ્ટી કમલભાઇ પારેખ સામેલ થયાં હતાં. સાપુતારા પહોંચતા પૂજ્ય ભાઇશ્રી સાથે મુલાકાત પહેલાં ટ્રસ્ટીઓ અને બાળકો દ્વારા ઉષ્માસભર સ્વાગત કરાયું હતું. થોડા આરામ બાદ બપોરે 4 કલાકે નવનિર્મિત સ્કૂલ બિલ્ડિંગની મુલાકાત માટે પ્રતિનિધિમંડળ પૂજ્ય ભાઇશ્રીને મળ્યું હતું. ત્યારબાદ તેમણે ગર્લ્સ યૂથ હોસ્ટેલની મુલાકાત લીધી હતી.
આ હોસ્ટેલનું નિર્માણ સોસાયટીના યોગદાનથી કરાયું છે અને હાલ તેમાં 150 કન્યાઓ રહે છે. વિદ્યાર્થીઓની વધતી જરૂરીયાતને પહોંચી વળવા કિચન પણ તૈયાર કરાયું છે.
ટ્રસ્ટીઓ સાથેની મુલાકાતમાં સંસ્થા સાથે લાંબાગાળાના સંબંધો જાળવી રાખવા અને વિદ્યાર્થીઓના કલ્યાણ અને વિકાસ માટે સહાય કરવાની તકો અંગે માહિતી મેળવવા ચર્ચા કરાઇ હતી.
પ્રમુખ દશરથભાઇએ જણાવ્યું હતું કે, ભગવાન કૃષ્ણ અને પૂજ્ય ભાઇશ્રીના આશીર્વાદથી આ પ્રોજેક્ટ સફળ થયો છે. તેમણે ટ્રસ્ટીઓની પ્રતિબદ્ધતા અને સમર્પણની પ્રશંસા કરી હતી અને પૂજ્ય ભાઇશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઇશ્વરભાઇએ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે મયૂરભાઇનો અને મુલાકાતની દસ્તાવેજી ફિલ્મ તૈયાર કરવા માટે હેમંતભાઇનો આભાર માન્યો હતો. આ મુલાકાત સફળ અને અર્થપૂર્ણ રહી હતી.

