દુબઈ-ઓમાન-કુવૈતથી સિરામિકના 1500 કન્ટેનર પાછાં આવ્યાં

Wednesday 25th March 2026 06:05 EDT
 
 

મોરબીઃ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યું છે તેની સૌથી મોટી અસર મોરબીના સિરામિક ઉદ્યોગને થઈ રહી છે. અગાઉ ગેસ ન મળવાના કારણે સિરામિકનાં 450 કરતાં વધુ કારખાનાં બંધ થઈ ગયાં છે, જેની મોટી અસર સિરામિક કારખાનેદારોને હવે જોવા મળી રહી છે, કેમ કે GCCના દેશોની અંદર મોરબીથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સ એક્સપોર્ટ કરાય છે. જો કે યુદ્ધના કારણે દુબઈ, ઓમાન, શારજાહ, કતાર, કુવેત સહિતના દેશોનાં પોર્ટ હાલમાં બંધ હોવાથી મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલેલાં કન્ટેનર્સ દરિયામાં ફરીને કે પછી કંડલા અથવા મુંદ્રા પોર્ટ પરથી પરત આવી રહ્યાં છે. હાલમાં અંદાજે 1500 જેટલાં કન્ટેનર મોરબી પરત આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ એક્સપોર્ટનું ભાડું રૂ. 60 હજારથી વધીને 3 લાખે પહોંચી ગયું છે.
દરમહિને 15 હજાર કન્ટેનર મોકલાતાં
મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા દરવર્ષે અંદાજે 20 હજાર કરોડનું એક્સપોર્ટ કરવામાં આવે છે, જેમાં લગભગ રૂ. 5 હજાર કરોડનું એક્સપોર્ટ GCCના દેશોમાં કરાય છે. જેમાં ખાસ કરીને દુબઈ, ઓમાન, શારજાહ, કતાર, કુવેત વગેરે દેશોનો સમાવેશ થાય છે અને મિડલિસ્ટમાં દર મહિને 15 હજાર કન્ટેનર્સ અહીંથી ટાઇલ્સ ભરીને મોકલાય છે.
GCC દેશોમાં જતી ટાઇલ્સ પર બ્રેક
હાલમાં ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધના લીધે મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલવામાં આવતા કન્ટેનરો પર બ્રેક લાગી ગઈ છે. આટલું જ નહીં મોરબીના કારખાનાંથી GCCના દેશોમાં એક્સપોર્ટ કરવા મોકલાયેલાં કન્ટેનર્સ પણ દરિયામાં આંટા ફરીને તેમજ પોર્ટ પરથી હવે કારખાને પાછા આવવા લાગ્યાં છે. જેથી કારખાનેદારો ચિંતામાં મુકાયા છે.


comments powered by Disqus