નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પર્સનલ લોને લઈને વધુ એક સવાલ ઉઠાવાયો છે. અરજદારનો દાવો છે કે પારસી મહિલા અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કરે તો તેને પોતાના ધર્મથી દૂર કરી દેવાય છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, નાગપુર પારસી પંચાયત, લઘુમતી બાબતોના મંત્રાલયને નોટિસ પાઠવી છે.
અરજદાર તરફથી વકીલ શ્યામ દીવાને એવી દલીલ કરી હતી કે, નાગપુર પારસી પંચાયતના બંધારણના નિયમમાં મહિલાઓ સાથે ભેદભાવ કરાઈ રહ્યો છે. આ નિયમ બંધારણના આર્ટિકલ 14 (કાયદા સમક્ષ તમામ સમાન), આર્ટિકલ 21 અને 25નો ભંગ છે જેમાં વ્યક્તિને ધાર્મિક સ્વતંત્રતાનો પણ અધિકાર છે.
અરજદારનો દાવો છે કે, આ નિયમ માત્ર પારસી મહિલાને જ કેમ લાગુ પડે છે? પારસી પુરુષ જો કોઈ અન્ય ધર્મની મહિલા સાથે લગ્ન કરે તો તેની સામે આવાં પગલાં નથી લેવાતાં, પરંતુ જો પારસી મહિલા અન્ય ધર્મના પુરુષ સાથે લગ્ન કરે તો તેને બહાર કરી દેવાય છે. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જોયમાલ્યા બાગચી અને વિપુલ એમ પંચોલીની બેંચ કરી રહી છે.
