ભાજપ-સંઘ આદિવાસીઓને ‘વનવાસી’ કહી અધિકારો છીનવી લેવા માગે છેઃ રાહુલ

Wednesday 25th March 2026 06:36 EDT
 
 

વડોદરાઃ વડોદરામાં આયોજિત ‘આદિવાસી અધિકાર સંવિધાન સંમેલન’માં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં બે વિચારધારા વચ્ચે જંગ ચાલી રહ્યો છે, જેમાં એક તરફ આદિવાસીઓના સન્માનની વાત છે અને બીજી તરફ તેમને ‘વનવાસી’ કહીને શ્રમિકો બનાવવાનું ષડયંત્ર છે.
આદિવાસી સમાજના આગેવાનોને સંબોધતાં રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી કે, ‘આદિવાસી’ શબ્દનો અર્થ એ છે કે તમે આ દેશના મૂળ માલિક છો અને જળ, જંગલ તથા જમીન પર તમારો પ્રથમ અધિકાર છે. હજારો વર્ષોથી આ જમીન તમારી રહી છે, તેની સામે ભાજપ જે ‘વનવાસી’ શબ્દનો પ્રયોગ કરે છે તેનો ગૂઢ અર્થ એ છે કે તમે અસલી માલિક નથી અને તમારે માત્ર જંગલમાં જ રહેવાનું છે. ભાજપ નથી ઇચ્છતો કે આદિવાસી બાળકો સારી શાળાઓ અને કોલેજોમાં ભણે કે અંગ્રેજી શીખે.
ટ્રમ્પ સામે વડાપ્રધાન મોદી મૌન
આજવા રોડ ૫૨ પંડિત દીનદયાળ ઓડિટોરિયમમાં રાહુલ ગાંધીએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, 'PM મોદી ટ્રમ્પ સામે એક શબ્દ બોલી શકતા નથી. ટ્રમ્પે ભારતની સેનાનું અપમાન કર્યું અને ખોટો દાવો કર્યો કે, તેમણે ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યું હતું, છતાં મોદીજીએ સંસદમાં 25 મિનિટના ભાષણ દરમિયાન અમેરિકા વિશે મૌન સેવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, ભારત દર વર્ષે અમેરિકા પાસેથી રૂ. 9 લાખ કરોડનો માલ ખરીદશે અને અમેરિકાની કાર પર ટેક્સ ઝીરો કરીને ભારતની કાર પર ટેક્સ ડબલ કરી દેવાયો છે. ઇરાનમાં યુદ્ધ ચાલી રહ્યું છે અને દેશમાં નફરત ફેલાવાઈ રહી છે ત્યારે વડાપ્રધાન સંસદમાં ડિબેટ કરવાથી ભાગી રહ્યા છે.


comments powered by Disqus