સુરત: વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અને માઠી અસર હવે સુરતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઉછાળાને કારણે ટેક્સટાઇલ સેક્ટરમાં વપરાતા કાચા માલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના પગલે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશન દ્વારા સુરતની 400થી વધુ મિલોમાં સપ્તાહમાં બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે. આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે કાચા માલની સપ્લાય ચેઇન ખોરવાતાં સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે, જેને પગલે મિલમાલિકો હવે મિલોનું કામ થંભાવી દેવા મજબૂર બન્યા છે.
છેલ્લા કેટલાક સમયથી માત્ર યાર્ન જ નહીં, પરંતુ પ્રોસેસિંગમાં અનિવાર્ય કોલસાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. હાલની સ્થિતિએ મિલ સંચાલકો પાસે માત્ર 10થી 20 દિવસ ચાલે તેટલો જ કોલસો ઉપલબ્ધ હોવાથી આગામી સમયમાં ઊર્જાસંકટ ઊભું થવાની ભીતિ સેવાઈ રહી છે. આ આર્થિક બોજને હળવો કરવા અને સંસાધનોની બચત કરવા એસોસિયેશને અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવાનો કડક નિર્ણય લીધો છે.
એસોસિયેશન પ્રમુખ જિતુ વખારિયાના જણાવ્યા અનુસાર, ગ્રે કાપડના ભાવ વધતાં માર્કેટમાંથી પ્રોસેસિંગ માટે પૂરતો માલ મળી રહ્યો નથી, જેના કારણે મિલો ચાલુ રાખવી આર્થિક રીતે નુકસાનકારક સાબિત થઈ રહી છે. આ અંતર્ગત કયા બે દિવસ મિલ બંધ રાખવી તે આગામી બેઠકમાં નક્કી કરાશે.
આ નિર્ણયની અસર સુરતની મિલો સાથે જોડાયેલા અંદાજે અઢી લાખ શ્રમિકો પર પડશે. કામમાં ઘટાડો થતાં શ્રમિકોના રોજગાર પર જોખમ ઊભું થયું છે, પરિણામે હજારોની સંખ્યામાં કામદારો સુરત છોડીને વતન ભણી પલાયન કરી રહ્યા છે. જો આ સ્થિતિ લાંબો સમય ચાલશે તો આગામી સિઝનમાં ઉદ્યોગને લેબરની ભારે અછતનો સામનો કરવો પડશે. બીજી તરફ શ્રમિકો ઘરેલુ ગેસ મેળવવામાં પડતી હાલાકી અને જીવનજરૂરી ચીજોના વધતા ભાવને કારલે બેવડી મુશ્કેલીમાં ફસાયા છે. જે શ્રમિકો ભાડાના રૂમમાં રહે છે, ત્યાં મકાનમાલિકો સુરક્ષાના કારણોસર ઇન્ડક્શન વાપરવાની મનાઈ કરી રહ્યા હોવાથી તેમના માટે જમવાનું બનાવવું પણ મુશ્કેલ બન્યું છે. શ્રમિકોનું આ પલાયન અટકાવવા સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિયેશનના જિતુભાઈ વખારિયા કહે છે, વિવિધ મિલોમાં ભોજનાલયો શરૂ કરી શ્રમિકોને રહેવા અને જમવાની પૂરતી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે.

