રાજકોટઃ રાજકોટના એક ક્લિનિકમાં લેબર રૂમની અંદર સ્પાય કેમેરો ગોઠવી મહિલા તબીબ સાથેની અંગત પળોના 3 હજારથી વધુ વીડિયો રેકોર્ડ કરી રૂ. 25 લાખની ખંડણી માગવાના પ્રકરણમાં સાઇબર ક્રાઇમે આરોપી ડોક્ટરની ધરપકડ કરી છે.
આરોપીએ સાથી મહિલા તબીબ પ્રત્યેના એકતરફી પ્રેમમાં આ કરતૂત કર્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે તોડબાજ પત્રકારો સહિત કુલ 12 શખ્સો સામે ગુનો નોંધાયો છે, જેમાંથી અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ ચલાવી છે. સાઇબર ક્રાઇમ એ.સી.પી. ચિંતન પટેલે જણાવ્યું હતું કે, 20 માર્ચે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ 32 વર્ષીય આરોપી ડો. કમલ ચમનલાલ નાંઢાની અટકાયત કરી છે. કમલે ફરિયાદીના ક્લિનિકના લેબર રૂમમાં બલ્બ હોલ્ડરની અંદર સ્પાય કેમેરો ફિટ કર્યો હતો. જ્યારે પણ બલ્બની સ્વિચ ચાલુ થતી, ત્યારે આ કેમેરામાં રેકોર્ડિંગ શરૂ થતું અને મેમરી કાર્ડમાં ડેટા સ્ટોર થતો હતો.
આ કાવતરામાં બોગસ પત્રકારો પણ સામેલ હતા. આ ટોળકીએ ફરિયાદી પાસે રૂ. 25 લાખની માગી કરી રૂ. 50 હજાર પડાવ્યા હતા. આ કેસમાં હિરેન મકવાણા, અજય ચૂડાસમા, હાર્દિક ડોડિયા સહિત 12 શખ્સોની તપાસ હાથ ધરી છે.
