રાજ્યના 72 તાલુકામાં માવઠું: સુરતમાં વાવાઝોડાથી યુવકનું મોત

Wednesday 25th March 2026 06:06 EDT
 
 

અમદાવાદઃ રાજ્યના હવામાન વિભાગ દ્વારા બે દિવસ માવઠું અને ભારે પવનની આગાહી કરાઈ હતી, જે મુજબ ગુરુવારથી અમદાવાદ સહિતના જિલ્લાના 75 તાલુકામાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવનની સાથે કેટલાક સ્થળે માવઠું વરસ્યું હતું. રાજકોટ-જામનગર સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન અને વરસાદના પગલે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં માવઠું પડતા ખેડૂતોના તૈયાર પાક ઘઉં, એરંડા, બટાકા જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોએ જણાવ્યું કે, અગાઉ પણ મગફળી જેવા પાક લેવાના સમયે વરસાદના કારણે મોટું નુકસાન પહોંચ્યું હતું અને અત્યારે ઘઉં જેવા પાક લેવાના સમયે આ માવઠાથી નુકસાન થયું છે. આણંદમાં માવઠા અને ભારે પવનથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખાસ કરીને ખંભાત-તારાપુર તાલુકાના ભાલ પંથકમાં રવિ પાકને માઠી અસર પહોંચી છે. ગઈકાલે પડેલા કમોસમી વરસાદ અને તેજ પવનને કારણે ખેતરોમાં તૈયાર થયેલો પાક જમીનદોસ્ત થઈ ગયો હતો.
કચ્છમાં લખપતના મિની પંજાબ નરા વિસ્તારમાં તોફાની પવનથી 3 હજાર એકરમાં રાયડા, ઘઉં અને 350 એકરમાં કેરી, ખારેક, ડ્રેગન ફ્રૂટ જેવા બાગાયતી પાકને ભારે નુકસાન થયું છે. નરા, પંજાબીવાંઢ, ધ્રગડવાંઢ વિસ્તારમાં 50 મકાનનાં છાપરાં-પતરાં ઊડી ગયાં હતા, જેમાં બે વ્યક્તિ ઘાયલ થઈ હતી. ગુરુવારે રાત્રે સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં અચાનક ફુંકાયેલા ભારે પવન અને માવઠાએ તારાજી સર્જી છે. આ કુદરતી આફતના કારણે સાપુતારા, આહવા, વઘઈ અને વાંસદા સહિતના વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વલસાડમાં આંબા પર તૈયાર થઈ રહેલી કેરીનો પાક મોટાપાયે ખરી પડતાં આર્થિક ફટકો પડ્યો છે.
માવઠાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં માવઠાનો માર વરસ્યો. જૂનાગઢ-અમરેલીમાં ઘઉં, કપાસ અને એરંડા સહિતના પાકને માવઠાથી ભારે નુકસાન થયું છે. માવઠાના કારણે બાગાયતી પાક કેરીને મોટું નુકસાન થતાં ખેડૂતોએ તાત્કાલિક સરકારી સરવેની માગણી કરી છે.


comments powered by Disqus