રૂ. 900 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રને મળશે રાજ્યનું બીજું ‘મહાત્મા મંદિર’

Wednesday 25th March 2026 06:05 EDT
 
 

રાજકોટઃ સૌરાષ્ટ્રના આર્થિક અને ઔદ્યોગિક નકશામાં મોટો ફેરફાર લાવનારો પ્રોજેક્ટ હવે આકાર લેવાની દિશામાં આગળ વધ્યો છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગજગતને હવે વૈશ્વિકકક્ષાના એક્ઝિબિશન અને બિઝનેસ સમિટ યોજવા અન્ય શહેરો પર નિર્ભર નહીં રહેવું પડે. રાજકોટ શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં અટલ સરોવરની પાળે અંદાજે રૂ. 900 કરોડના માતબર ખર્ચે રાજ્યનું બીજું ‘મહાત્મા મંદિર’ (એક્ઝિબિશન કમ કન્વેન્શન સેન્ટર) બનાવવાનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી ફંડ ફાળવવામાં આવશે અને પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) ધોરણે આખું સંકુલ તૈયાર થશે.
ગાંધીનગરની થીમ પર નિર્માણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલી અંદાજે પોણા બે લાખ ચો.મી. જમીન પર આ પ્રોજેક્ટ સાકાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટની ડિઝાઇન અને સુવિધાઓ ગાંધીનગરના મહાત્મા મંદિરને મળતી આવશે. હવે કન્વેન્શન સેન્ટરની ઊણપ દૂર થશે.
પીપીપી મોડલ પર પ્રોજેક્ટ
આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે સાકાર થશે. જેમાં કુલ પ્રોજેક્ટ ખર્ચની 50 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા અપાશે.
અગાઉ 5 વાર ટેન્ડર નિષ્ફળ
આ પ્રોજેક્ટ માટે મનપાએ અગાઉ પાંચ વખત પ્રયાસો કર્યા હતા. જો કે કોઈ યોગ્ય એજન્સી ન મળતાં પ્રોજેક્ટ વિલંબમાં પડ્યો હતો.


comments powered by Disqus