લંડનઃ લેસ્ટર રોયલ ઇન્ફર્મરી નજીક કોઇપણ પ્રકારની ઉશ્કેરણી ન કરી હોવા છતાં પૌઢ ગુજરાતી મહિલા પર ઘાતકી હુમલો કરીને મોત નિપજાવનાર ડ્રગ ડીલરને દોષી ઠેરવાયો છે. 24 જૂન 2025ના રોજ 56 વર્ષીય નીલા પટેલ પર હુમલો કરનાર સાઉથ ઇસ્ટ લંડનના પેકહામના 24 વર્ષીય ચુક્વુમિકા અહાનોનુને લેસ્ટર ક્રાઉન કોર્ટ દ્વારા મંગળવારે દોષી જાહેર કરાયો હતો.
સુનાવણી દરમિયાન કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, અહાનોનુ લેસ્ટર સિટી સેન્ટર ખાતે રેડ સિગ્નલ તોડીને કાર ચલાવી રહ્યો હતો. કારનો અકસ્માત સર્જ્યા બાદ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો અને ચાલીને ઘર તરફ જઇ રહેલા નીલા પટેલ પર હુમલો કરી દીધો હતો. જેના કારણે નીલા પટેલને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બે દિવસ બાદ તેમનું મોત થયું હતું.
અહાનોનુના વાહનમાંથી ગાંજો અને અન્ય ડ્રગ્સ ડીલર્સ બેગ્સ મળી આવી હતી. તેણે કોર્ટમાં ભયજનક ડ્રાઇવિંગ અને ડ્રગ વેચતો હોવાના અપરાધ કબૂલી લીધા હતા પરંતુ હત્યાનો આરોપ નકારી કાઢ્યો હતો. અદાલતે તેને આજીવન કેદ (લઘુત્તમ 21 વર્ષ અને 6 મહિના)ની કેદની સજા ફટકારી છે.
સજાની સુનાવણી દરમિયાન નીલા પટેલના પુત્ર જૈદન અને પુત્રી દાનિકા પટેલે કોર્ટમાં વિક્ટિમ ઇમ્પેક્ટ સ્ટેટમેન્ટ વાંચી સંભળાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 9 મહિના પહેલાં અમારી માતાની હત્યા થઇ હતી. આ રીતે તેમને ગુમાવવાનું દર્દ અમે સહી શક્તાં નથી. અમારી માતા અમારા જીવનમાં સૌથી મહત્વની
વ્યક્તિ હતાં.

