અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે વનતારા વિરુદ્ધ લગાવાયેલા આરોપોને લઈને દાખલ અરજીને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે વનતારા વિરુદ્ધ લગાવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.
આ અરજી એક ફાઉન્ડેશન દ્વારા દાખલ કરાઈ હતી, જેમાં આરોપ લગાવાયો હતો કે વિદેશથી લવાયેલાં અનેક પશુઓ ‘સાઇટ્સ’ (CITES) હેઠળના આંતરરાષ્ટ્રીય વન્યજીવ વેપારનાં ધોરણોનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે 9 માર્ચે આદેશ કર્યો હતો કે, આ અરજીનો કોઈ મજબૂત આધાર નથી. કોર્ટે વનતારાને નિયુક્ત એસઆઇટી દ્વારા અપાયેલી ‘ક્લીનચીટ’ને ફરીથી યોગ્ય ઠેરવી છે.
એસઆઇટીનાં તારણોને અન્ય એક બેન્ચ પહેલેથી જ સ્વીકારી ચૂકી છે. એસઆઇટી અને સાઇટ્સ સચિવાલય બંનેની સ્વતંત્ર તપાસમાં જણાયું હતું કે, વનતારાના આયાત સંબંધિત દસ્તાવેજો કે કામગીરીમાં કોઈ ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થયું નથી અને કોઈ અનિયમિતતા પણ નથી. જે પ્રાણીઓ પહેલેથી કાયદેસર અને સંભાળભર્યા વાતાવરણમાં રહી રહ્યાં છે, તેમને હટાવવા એ ક્રૂરતાસમાન ગણાશે. આ આદેશની સાથે જ વનતારાના સંચાલનને પડકારતો વધુ એક કેસ સમાપ્ત થઈ ગયો છે. પ્રાણીઓની માનવીય સંભાળ પ્રત્યેની વનતારાની પ્રતિબદ્ધતાને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવી છે. જામનગરમાં વિશાળ પ્રાકૃતિક લેન્ડસ્કેપ પર બનેલું વનતારા જીવંત ઇકોસિસ્ટમની જેમ કાર્ય કરે છે. સંઘર્ષવાળા વિસ્તારોથી બચાવેલા અથવા પાંજરામાં રહેલાં પ્રાણીઓને અહીં કુદરતી આવાસ અપાય છે.

